વર્તમાન ટેકનોલોજી અને ડિજિટલ ગેજેટ્સના અતિરેક વચ્ચે નવી પેઢીને ફરીથી માટી અને પ્રકૃતિ સાથે જોડવાના ઉમદા આશયથી સાવરકુંડલામાં એક પ્રશંસનીય પર્યાવરણલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. નવરંગ નેચર ક્લબ અને હનુમાનજી આશ્રમ, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ‘માટીથી માનવી સુધી’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રકૃતિના રક્ષક બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.
આ ભગીરથ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ ક્ષેત્રના અગ્રણીઓએ શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. જેમાં મુખ્યત્વે:
એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલ
મૂળરાજ ધરમસિંહ પ્રાથમિક શાળા,
જે.વી.મોદી હાઈસ્કૂલ, (શાળા નંબર ૪),
સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સ,
કન્યા શાળા અને તાલુકા શાળા
આ તમામ સંસ્થાઓના હજારો વિદ્યાર્થીઓને ઘરઆંગણે વાવેતર કરવા માટે શુદ્ધ અને ઓર્ગેનિક શાકભાજીના બીજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અભિયાનને સફળ બનાવવા માટે નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી. બાલા, વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રિયંકભાઈ પાંધી, હનુમાનજી આશ્રમના સતીશ પાંડે તેમજ રામનાથ વર્મી કમ્પોસ્ટના સાર્થકભાઈ ઠાકર અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. તેઓએ બાળકોને ધરતીના ખોળામાં વાવેતર કરી પૃથ્વીને હરિયાળી બનાવવાનો સંદેશ આપ્યો હતો.
*”અમારો ઉદ્દેશ્ય માત્ર બીજ વિતરણનો નથી, પણ બાળકોના માનસપટ પર પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જગાડવાનો છે. જ્યારે બાળક પોતાના હાથે વાવેલા છોડમાંથી શાકભાજી ઉગાડશે, ત્યારે તે જમીનનું સાચું મૂલ્ય સમજશે અને દરેક ઘરને શુદ્ધ-ઓર્ગેનિક ખોરાક મળશે.”*
— સંસ્થાના હોદ્દેદારો
અભિયાનના બે મુખ્ય સ્તંભ અને દૂરોગામી અસરો
મુખ્ય હેતુસમાજ અને પર્યાવરણ પર અસર
૧- ડિજિટલ ડિટોક્સ : બાળકોને ગેજેટ્સની કાલ્પનિક દુનિયામાંથી બહાર લાવી પ્રકૃતિની વાસ્તવિક મહેક તરફ વાળવા.
૨- પર્યાવરણ અને સ્વાસ્થ્ય સંદર્ભૅ વિદ્યાર્થીઓમાં સંવેદના જગાડવી અને ઘરમાં જ ઓર્ગેનિક શાકભાજી ઉગાડી પરિવારના સ્વાસ્થ્યની રક્ષા કરવી. નાવલીના ખમીર સમા જોગીદાસબાપુની ખમીરવંતી ધરતીની અનોખી ઓળખ ધરાવતા કાંટાના એક અજોડ શહેર સાવરકુંડલાની પવિત્ર ધરા પર શરૂ થયેલું આ સેવાકીય કાર્ય સમગ્ર સમાજ માટે દિશાસૂચક સાબિત થશે વિદ્યાર્થીઓ પણ અત્યંત ઉત્સાહભેર આ ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે, જે આવનારી પેઢીના સ્વસ્થ અને સુખી ભવિષ્યની ગેરંટી આપે છે.

















Recent Comments