અમરેલી

રાસાયણિક યુગમાં પ્રાકૃતિક ખેતી જ ટકાઉ ભવિષ્યનો માર્ગ: હડાળાના ખેડૂતો

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના માનનીય કુલપતિશ્રી પ્રો. (ડૉ.) સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને ખેડૂતોમાં જાગૃતિ લાવવાના હેતુસર હડાળા ગામ ખાતે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલી ના આચાર્યશ્રી ડૉ. એસ. પી. દેશમુખના નેતૃત્વમાં હડાળા ગામ ખાતે ખરીફ ઋતુ પાક નિદર્શન તથા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૦૧ જૂલાઈ રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ૭૦થી વધુ ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

તાલીમ દરમિયાન કોલેજના મદદનીશ પ્રાધ્યાપક ડૉ. કે. વી. મશાલીયા, શ્રી, બી. ડી. મકવાણા અને શ્રી, આર. એચ. વઘાસિયા,ખેતી અધિકારી શ્રી, એચ. વી. વળિયા તથા શ્રી, જે. બી. પરમાર અને ખેતી મદદનીશ શ્રી, એસ. એ. બારડ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો બીજામૃત,જીવામૃત, ઘનજીવામૃત, વાપસા, આચ્છાદન અને જુદા જુદા અસ્ત્રો (બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર) થી જીવાત નિયંત્રણ અંગે સમજણ અને માહિતી તેમજ મિશ્રપાક પદ્ધતિના લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જેમાં એક જ ખેતરમાં વિવિધ પાકોનું વૈજ્ઞાનિક આયોજન કરીને જમીનની ફળદ્રુપતા જાળવવી, જીવાત અને રોગના ઉપદ્રવમાં ઘટાડો કરવો, ઉત્પાદનની સ્થિરતા વધારવી તથા ખેડૂતોની આવકમાં વધારો કરવાના મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત રોજિંદા જીવનમાં પ્રાકૃતિક ખેતીના પેદાશોનું મહત્વ પર જાગૃતતા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા પ્રાકૃતિક ખેતી સંબંધિત પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.

આ સત્ર દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને અપનાવી ખેતીને વધુ ટકાઉ, પર્યાવરણમૈત્રી, સ્વાવલંબી અને ખર્ચ અસરકારક બનાવવાની અપીલ કરવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમ માત્ર જ્ઞાનનું માધ્યમ નહીં, પરંતુ “ખેત બચાવો, પ્રાકૃતિક અપનાવો અને ખેડૂત સમૃદ્ધ બનાવો” ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ સાબિત થયો હતો.

Related Posts