વિડિયો ગેલેરી

કાનૂની જાગૃતિ અને સાક્ષરતા પર આધારિત વિશેષ પુસ્તક ‘કાયદાનો કક્કો’ નું ભવ્ય વિમોચન

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લાના તમામ ન્યાયાધીશશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાનૂની જાગૃતિ અને સાક્ષરતા પર આધારિત વિશેષ પુસ્તક ‘કાયદાનો કક્કો’નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું. છેવાડાના માનવીને કાયદાનું સરળ જ્ઞાન મળી રહે તેવા ઉમદા હેતુથી તૈયાર કરાયેલા આ પુસ્તકનું વિમોચન પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને ચેરમેન સુશ્રી રીઝવાના બુખારી, એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી એસ. એસ. સોઢી, શ્રી ડી.સી.ત્રિવેદી, શ્રી એસ.સી.ગાંધી, શ્રી એમ.એમ. પરમાર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ શ્રી પ્રખર શર્મા તેમજ ‘અવધ ટાઈમ્સ’ ના તંત્રી શ્રી વિજયભાઈ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમગ્ર જિલ્લાના જજશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સામાન્ય રીતે કાયદાની ભાષા અને કાનૂની પ્રક્રિયાઓ અટપટી હોવાથી સામાન્ય નાગરિકો માટે તેને સમજવી અઘરી બની જાય છે, જે મુશ્કેલીને દૂર કરવા અને કાનૂની જાગૃતિને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે એક વર્ષ પહેલાં સ્થાનિક અખબાર ‘અવધ ટાઈમ્સ’ માં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલી દ્વારા ‘કાયદાનો કક્કો’ નામની વિશેષ કોલમ શરૂ કરવામાં આવી હતી. આ કોલમ અંતર્ગત પ્રકાશિત થયેલા ૨૭ જેટલા અત્યંત ઉપયોગી કાનૂની લેખોનું સુંદર સંકલન કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં નાલસાની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, મફત કાનૂની સહાય મેળવવાની પ્રક્રિયાઓ તથા રોજના જીવનમાં ઉપયોગી વિવિધ કાયદાઓને અતંયત સરળ અને સમજાય તેવી ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને ચેરમેન સુશ્રી રીઝવાના બુખારીએ વિમોચન પ્રસંગે સંબોધન કરતાં કહ્યું હતું કે, “કાયદાનો કક્કો” માત્ર એક પુસ્તક નહીં, પરંતુ સામાન્ય નાગરિકો માટે એક ‘માર્ગદર્શિકા’ છે. કાનૂની અજ્ઞાનતાના કારણે ઘણા લોકો પોતાના હકોથી વંચિત રહી જાય છે. આ પુસ્તકના માધ્યમથી લોકો પોતાના અધિકારો અને ફરજો પ્રત્યે સભાન બનશે. લાંબાગાળે આ પ્રયાસથી સમાજમાં કાનૂની સાક્ષરતા વધશે. આ પુસ્તક પી.એલ.વી, લીગલ એઇડ એડવોકેટ, સામાજિક કાર્યકરો, કાયદાના વિદ્યાર્થીઓ અને ગ્રામીણ જનતા માટે એક દીવાદાંડી સમાન સાબિત થશે તેમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts