અમરેલી

રાજુલા કાર્યાલયે ધારાસભ્ય હીરા સોલંકીએ લોકોની સમસ્યાઓ સાંભળી, નિરાકરણ માટે આપ્યા આશ્વાસન

રાજુલા તાલુકાના ધારાસભ્ય હીરા સોલંકીએ આજરોજ રાજુલા સ્થિત પોતાના કાર્યાલય ખાતે વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પોતાની વ્યક્તિગત તેમજ જાહેર હિતની સમસ્યાઓ લઈને પહોંચ્યા હતા.

આ પ્રસંગે ધારાસભ્યએ દરેક અરજદારની વાત ધીરજપૂર્વક સાંભળી અને સંબંધિત વિભાગો સાથે જરૂરી સંકલન કરીને પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે પ્રયાસ કરવાની ખાતરી આપી હતી. લોકો દ્વારા રસ્તા, પીવાનું પાણી, વીજ પુરવઠો, સરકારી યોજનાઓનો લાભ, આવકના દાખલા, ખેતી સંબંધિત પ્રશ્નો તેમજ અન્ય જાહેર સુવિધાઓને લગતી રજૂઆતો કરવામાં આવી હતી.

ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે જનતાની સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવું એ લોકપ્રતિનિધિ તરીકે તેમની પ્રથમ જવાબદારી છે. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર વ્યક્તિ સુધી પહોંચે અને વિકાસના કામોમાં કોઈ વિલંબ ન થાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવશે.

મુલાકાત દરમિયાન કાર્યકરો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા. લોકો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ સાંભળવાની આ પહેલને સ્થાનિક નાગરિકોએ આવકારી હતી અને પોતાના પ્રશ્નોના વહેલા ઉકેલની આશા વ્યક્ત કરી હતી.

Related Posts