અમરેલી

સોનારિયા ગામે વરસાદી નુકસાનની મંત્રી કૌશિક વેકરિયાએ સ્થળ પર સમીક્ષા, અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહીનો નિર્દેશ

અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ આજે અમરેલી જિલ્લાના સોનારિયા ગામની મુલાકાત લઈને વરસાદથી થયેલા નુકસાનની સ્થળ પર સમીક્ષા કરી હતી. તેમની સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ગ્રામજનો અને ખેડૂત ભાઈઓ સાથે સીધો સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી. ભારે વરસાદના કારણે પાક, મકાનો, રસ્તાઓ અને અન્ય જાહેર સુવિધાઓને થયેલા નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરતાં મંત્રીશ્રીએ તમામ મુદ્દાઓ ગંભીરતાથી સાંભળ્યા હતા.

મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગોના અધિકારીઓને અસરગ્રસ્ત લોકોનું નુકસાનનું સર્વેક્ષણ ઝડપથી પૂર્ણ કરવા તેમજ પાત્ર લાભાર્થીઓને વહેલી તકે વળતર મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ ગામમાં રસ્તા, પાણી, વીજળી સહિતની આવશ્યક સુવિધાઓ ઝડપથી પૂર્વવત્ થાય તે માટે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અસરગ્રસ્ત પરિવારોની સાથે છે અને વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ તેમજ જનજીવન ઝડપથી સામાન્ય બને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

Related Posts