અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકામાં રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયેલા જળસંચય અભિયાનના પરિણામે પ્રથમ વરસાદમાં જ તળાવોમાં નવા નીરની આવક થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસરે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ-વડીયા તાલુકાના અમરાપુર, જંગર, નાની કુંકાવાવ, સનાળી અને સનાળા ગામોની મુલાકાત લઈ નવા નીરના વધામણા કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી, વડીયા અને કુંકાવાવ તાલુકાના કુલ ૧૧૫ ગામોમાં તળાવો ઉંડા કરવાની મહત્ત્વાકાંક્ષી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉનાળા દરમિયાન પૂર્ણ થયેલા આ જળસંચય કાર્યના પરિણામે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તળાવો પાણીથી છલકાતા ખેડૂતો અને ગ્રામજનોમાં નવી આશા જાગી છે.
રાજ્ય સરકારના સહયોગથી જેટકો અને પીજીવીસીએલ દ્વારા આપવામાં આવેલા અનુદાન તેમજ ગીરગંગા ટ્રસ્ટની ટેકનિકલ સહાયથી ૧૧૫ ગામોમાં હિટાચી મશીન દ્વારા પ્રતિ ગામ અંદાજે ૬૦૦ કલાક કામગીરી કરીને તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા. આ ભગીરથ પ્રયાસોના કારણે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બન્યો છે, જે આવનારા સમયમાં ખેતી, પશુપાલન અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં જળસંચયને પ્રાધાન્ય આપી વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સહયોગથી થયેલી આ કામગીરીના પરિણામે આજે કરોડો લીટર વરસાદી પાણીનો સંગ્રહ શક્ય બન્યો છે. પાણીનું એક-એક ટીપું અમૂલ્ય છે અને આ જળસંચય ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની કૃષિ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
નવા નીરના વધામણાંના પ્રસંગે વિવિધ ગામોના આગેવાનોએ રાજ્ય સરકારના આ જળસંચય અભિયાન માટે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. સનાળા મુકામે ગીરગંગા પરિવાર દ્વારા રાજ્ય સરકારના માધ્યમથી અમરેલી જિલ્લામાં આ ભગીરથ જળસંચય અભિયાન શરૂ કરવા બદલ રાજ્યમંત્રીશ્રીનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, શ્રી વાળા, કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકાના અગ્રણીઓ, શ્રી પી.વી. વસાણી, શ્રી વિપુલભાઈ વસાણી, શ્રી મધુભાઈ હરખાણી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

















Recent Comments