અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજમાં NDRF દ્વારા આપદા વ્યવસ્થાપન પર પ્રેક્ટિકલ તાલીમ યોજાઈ

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ એન્ડ એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે NDRF વડોદરાના સહયોગથી વિદ્યાર્થીઓ માટે ‘આપદા વ્યવસ્થાપન અને પ્રબંધન’ વિષય પર એક દિવસીય પ્રેક્ટિકલ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે NDRF ઇન્સ્પેક્ટર (કોબ્રા કમાન્ડો) બસંત તીરકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​કાર્યક્રમ દરમિયાન શ્રી બસંત તીરકીએ વિદ્યાર્થીઓને NDRFની કામગીરી અને તેમાં જોડાવાની પ્રક્રિયા વિશે પ્રાથમિક માહિતી આપી હતી. ત્યારબાદ NDRFની ટીમ દ્વારા કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ સમયે ઉપયોગી એવી વિવિધ કટોકટીની સ્થિતિઓનું જીવંત નિદર્શન (પ્રેક્ટિકલ ડેમો) કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો આવરી લેવાઈ હતી:

​મેડિકલ ઇમરજન્સી: અચાનક હાર્ટ એટેક કે શ્વાસ બંધ થવાના સમયે CPR આપવાની પદ્ધતિ, બ્લિડિંગ કંટ્રોલ અને ફ્રેક્ચરમાં તાત્કાલિક સારવાર.

​રેસ્ક્યૂ ટેકનિક: ઇમ્પ્રોવાઇઝ્ડ (ઉપલબ્ધ સાધનોમાંથી) સ્ટ્રેચર બનાવવું અને પૂરની સ્થિતિમાં લાઇફ સેવિંગ જેકેટ તથા રાફ્ટનો ઉપયોગ.

​ફાયર અને ભૂકંપ સેફ્ટી: આગ ઓલવવાના સાધનોનો વપરાશ તેમજ ભૂકંપ સમયે ‘ડ્રોપ, કવર એન્ડ હોલ્ડ’ પદ્ધતિ દ્વારા સુરક્ષિત બચાવ.

​આ તાલીમમાં આર્ટસ અને કોમર્સ વિદ્યાશાખાના બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પ્રશ્નોત્તરી દ્વારા મૂંઝવણો દૂર કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. કલ્પેશ રાડિયાએ કર્યું હતું, જ્યારે અંતમાં પ્રો. ડો. હાર્દિક ઉદેશી દ્વારા NDRF ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી આ આયોજન સફળ રહ્યું હતું.

Related Posts