અમરેલી

રાજ્યકક્ષાની U-14 બેઝબોલ સ્પર્ધામાં સાવરકુંડલા ગુરુકુળની દીકરીઓએ દ્વિતીય સ્થાન મેળવી ગૌરવ વધાર્યું

વાંકાનેર ખાતે તા. ૧૨/૧૦/૨૦૨૬ ના રોજ આયોજિત ૭૦મી અખિલ ભારતીય બેઝબોલ સ્પર્ધા અંતર્ગત યોજાયેલી રાજ્યકક્ષાની અંડર-૧૪ (U-14) બેઝબોલ સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલાની વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરી દ્વિતીય સ્થાન (રનર્સ-અપ) પ્રાપ્ત કરીને સંસ્થા તથા સાવરકુંડલા શહેરનું ગૌરવ વધાર્યું છે.

​વિદ્યાર્થિનીઓની આ ઝળહળતી સિદ્ધિ બદલ સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી સ્વામી, સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, મેનેજિંગ ટ્રસ્ટી સ્વામી અક્ષરમુક્તદાસજી, શાળાના ડાયરેક્ટર વ્યાસ સાહેબ તથા શાળાના આચાર્યશ્રીઓએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

​આ ઉપરાંત સાવરકુંડલા-લીલિયા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, રમતગમત અધિકારી પૂનમબેન, અમરેલી જિલ્લા વ્યાયામ સંઘના પ્રતિનિધિઓ, બેઝબોલ રમતના જનરલ સેક્રેટરી શ્રી અનિકેતભાઈ, હર્ષાંગભાઈ, મયંકભાઈ, શાળાના કોચ દીપકભાઈ વાળા, ઝાલાભાઈ, રાઠોડ હર્ષદસિંહ, ધર્મરાજસિંહ, રામ હીના તથા ખુશીબેન સહિતના તમામ મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓની મહેનત અને સિદ્ધિને બિરદાવી હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

​શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા દ્વારા અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે પણ ઉત્તમ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિદ્યાર્થિનીઓએ પોતાની મહેનત, શિસ્ત અને દૃઢ મનોબળથી આ સફળતા હાંસલ કરીને સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શનથી સફળતાનાં શિખરો સર કરી શકાય છે.

Related Posts