સાવરકુંડલા (ગિરધરવાવ) ખાતે તા. ૧૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ
શ્રીરામ વાત્સલ્ય ટ્રસ્ટ સંચાલિત ‘ગિરધર ઘર’ (વડીલોનું વાત્સલ્યધામ) ખાતે પ્રથમ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ‘શક્તિ રૂપેણ સંસ્થિતા’ અંતર્ગત ગદ્ય સાહિત્ય સેતુ ગ્રૂપ દ્વારા એક ભવ્ય સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વડીલો સાથે આનંદની પળો વિતાવી તેમના જીવનમાં ઉત્સાહનો સંચાર કરવાનો તથા કલા અને સંસ્કૃતિના માધ્યમથી આત્મીયતાનો સેતુ બાંધવાનો હતો.
કાર્યક્રમના મુખ્ય આકર્ષણો
ગણેશ વંદના અને શાસ્ત્રીય નૃત્ય: કાર્યક્રમનો પ્રારંભ કુમારી દુર્વા મહેતા દ્વારા મનમોહક ગણેશ વંદના નૃત્યથી થયો હતો. ત્યારબાદ કુમારી કાવ્યા દવે દ્વારા રજૂ કરાયેલા ભારતીય શાસ્ત્રીય નૃત્ય કથકની અદભુત પ્રસ્તુતિએ ઉપસ્થિત સૌ વડીલો અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વડીલોના મનોરંજન અને સામાજિક જાગૃતિ માટે કલાકારો દ્વારા વિશિષ્ટ નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ‘મોંવાળો’, ‘દલ્લો’, ‘હાલરડાની ચીસ’, ‘છોકરાં રમાડવાં સહેલાં નથી’ તથા સંવેદનશીલ “માઈમ” (મૂક નાટક) ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
જૂનાં હિન્દી ગીતોની સુમધુર સફર: સંગીતમય વાતાવરણ સર્જતાં શ્રી નિલેશભાઈ ચાંપાનેરી દ્વારા જૂનાં હિન્દી ફિલ્મી ગીતોની રજૂઆત કરવામાં આવી હતી, જેણે વડીલોને ભૂતકાળની મધુર સ્મૃતિઓમાં સરી પડવાનો મોકો આપ્યો હતો.
આ કાર્યક્રમમાં સાહિત્ય અને કલા ક્ષેત્રના અનેક અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સેવાભાવના દર્શાવી હતી:
શ્રી વાસુદેવભાઈ સોઢા, શ્રી રવજીભાઈ કાચા, શ્રી સુધીરભાઈ મહેતા, શ્રી નાનાલાલભાઈ ત્રિવેદી
શિક્ષિકા શ્રી સરસ્વતીબહેન દવે, શિક્ષિકા શ્રી દીપાલીબહેન દિનેશભાઈ પંડ્યા
શ્રી યશ ત્રિવેદી (વિજ્ઞાન ભવન, મોટા ચારોડીયા), શ્રી મનીષભાઈ વિંઝુડા, શ્રી જીજ્ઞાબહેન ઠકરાર, કુમારીકા કાવ્યા દવે
શ્રી હેમલબહેન મહેતા, શ્રી સંગીતાબહેન ઓઝા, શ્રી પાર્થભાઈ વાઘેલા, શ્રી પ્રિયંકાબહેન વાઘેલા, શ્રી શૈલેષભાઈ વાઘેલા, શ્રી રેખાબહેન વાઘેલા અને યુગ મહેતા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને પ્રવાહપૂર્ણ સંચાલન શિક્ષિકા શ્રી સરસ્વતીબહેન દવે તથા શ્રી દીપાલીબહેન દિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. બંને સંચાલિકાઓએ પોતાની આગવી શૈલીથી દરેક રજૂઆતને યોગ્ય રીતે સાંકળીને કાર્યક્રમને અંત સુધી રસપ્રદ બનાવી રાખ્યો હતો.
માનવતા અને સેવા આપવાનો સુંદર સંદેશ
‘ગિરધર ઘર’ ખાતે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતાં, વડીલો પ્રત્યે આદર, સ્નેહ, લાગણી અને સેવાભાવનાનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યો હતો. સાહિત્ય, સંસ્કૃતિ અને માનવતાના આ ત્રિવેણી સંગમે વડીલોના મુખ પર અનોખી ખુશી લાવી દીધી હતી.


















Recent Comments