કુંકાવાવ-વડિયા વિસ્તારના ખેડૂતોને આધુનિક કૃષિ બજારની સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારના મંત્રીમંડળે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મોજે કુંકાવાવ મોટી ખાતે ૭ વિઘા જમીન નવી મંજૂર થયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), કુંકાવાવ-વડિયાને ફાળવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
આ નિર્ણયથી કુંકાવાવ-વડિયા APMCનું આધુનિક સંકુલ વિકસાવવાનો માર્ગ મોકળો બનશે. નવી બજાર સમિતિ કાર્યરત બનતાં ખેડૂતોને ઉપજના વેચાણ માટે વધુ સુવિધાજનક, પારદર્શક અને સુવ્યવસ્થિત બજાર વ્યવસ્થાનો લાભ મળશે.
આ અંગે અમરેલી, કુંકાવાવ-વડિયાના ધારાસભ્યશ્રી અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોને ગામની નજીક આધુનિક કૃષિ માર્કેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવી રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કુંકાવાવ-વડિયા APMC માટે જમીન ફાળવણીનો નિર્ણય સમગ્ર વિસ્તારના ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે અને કૃષિ ક્ષેત્રના માળખાકીય વિકાસને નવી દિશા આપશે.”
મંત્રીશ્રીએ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ, ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
















Recent Comments