ભાવનગર

બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

મહિમાપૂર્ણ ગુરુપૂર્ણિમાના અવસરે આજે ગુરુપૂર્ણિમા મહોત્સવમાં બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે ભાવિક ભક્તો સાથેના માનવ મેરામણથી છલકાયો હતો. ધર્મમય અને ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં હજારો ભાવિક ભક્તો જનો બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના અવસરે સદગુરુ પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં મસ્તક નમાવીને ધન્ય થયા હતા.

ચૌદશની રાત્રી (મંગળવાર) થી બગદાણા તરફની ચારે દિશાએથી લોકો બગદાણા પહોંચ્યા હતા. રાત્રિના ઠળીયા ઠાડચ બાજુના માર્ગ પર વાહનોનો ટ્રાફિકજામ થયો હતો.

અહીંના પવિત્ર ગુરુઆશ્રમ પરિસરમાં વહેલી સવારના પાંચ કલાકે આરતીથી ધાર્મિક કાર્યક્રમનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં સવારે સાત વાગે બાપા સીતારામ….. બાપા સીતારામ….. ના નાદ સાથે ધ્વજા પૂજન અને ધ્વજારોહણ થયા બાદ  મહિમાપૂર્ણ ગુરુપૂજન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુપૂજન વેળાએ પૂજ્ય બાપાને અતિ વ્હાલી કુમારીકાઓ દ્વારા બાપાની આરતી કરવામાં આવી હતી. રાજભોગ આરતી થયા બાદ મહાપ્રસાદ વિતરણ સવારના 10:00 વાગ્યાથી અવિરત શરૂ રહ્યું હતું.

ગુરુ આશ્રમ બગદાણાના તાલીમબધ્ધ અને બાપાને સમર્પિત એવા હજારો સ્વયંસેવક બહેનો ભાઈઓએ  દિવસ અને રાત ખડે પગે સેવા બજાવી હતી. ટ્રાફિક તેમજ અન્ય વિભાગો સાથે રસોડા વિભાગમાં સ્વયંસેવક ભાઈઓ બહેનોની અવિરત સેવા જોવા મળી હતી.

અલગ અલગ ભાઈઓ અને બહેનોની બે ભોજનશાળામાં સૌએ પંગતમાં બેસી  ભોજન પ્રસાદ લીધો હતો.

 બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા દેશ અને પરદેશથી હજારો ભક્તો,યાત્રાળુઓ આજના ગુરુપૂર્ણિમા મહોત્સવમાં સામેલ થયા હતા અને  બાપાના ચરણોમાં શીશ નમાવીને ધન્ય થયા હતા.

સુરક્ષા વિભાગમાં સ્વયંસેવકો તેમજ પોલીસ વિભાગનો અહીં ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. સરકારી એસ.ટી.બસો બગદાણા સુધી વિશેષ રૂપે દોડાવવામાં આવી હતી. હેલ્થ સેન્ટર દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા પણ રહી હતી. તમામ ટ્રસ્ટીઓની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ તેમજ સરકારી અલગ અલગ વિભાગોના સંકલન તળે સુચારું વ્યવસ્થા જળવાઈ હતી.

Box

1.

બગદાણા હાઈસ્કૂલની વિદ્યાર્થીઓની દ્વારા બેનમૂન સેવા 

બગદાણા ખાતેની સંત શ્રી બજરંગદાસબાપા હાઇસ્કુલની વિદ્યાર્થીની બહેનો દ્વારા અહીં ઉત્તમ સેવા પ્રાપ્ત થઈ હતી. ધોરણ 11 અને 12 માં અભ્યાસ કરતી લગભગ 100 ઉપરાંત વિધાર્થિનીએ  શિક્ષિકા બહેનોના માર્ગદર્શનમાં મહિલાઓની ભોજનશાળામાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરી હતી.

2.

બગદાણા તરફના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાના શામિયાણા જોવા મળ્યા

ગુરુપુનમની આગલી રાતે બાપાના ધામમાં પહોંચવા માટે મોટી સંખ્યામાં પેદલયાત્રીઓ પદયાત્રા કરીને બગદાણા પહોંચતા હોય છે. ત્યારે આજે બગદાણા તરફના માર્ગો ઉપર ઠેરઠેર સેવાના શમિયાળા જોવા મળ્યા હતા. જ્યાં ચા પાણી, શરબત, નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જેનો સૌએ લાભ લીધો હતો. 

ઠાડચ અને ઠળીયા ગામની વચ્ચેના માર્ગમાં મૂળ કચ્છના અને હાલ મુંબઈ સ્થિત 50 જેટલા ભાઈઓએ સૌ પેદલયાત્રીઓ સહિતના સૌને ગરમાગરમ ભજીયા નો પ્રસાદ વહેંચો હતો. છેલ્લા પાંચ વર્ષથી નિયમિત અહીં કચ્છના બાપાના સેવકો ખાસ મંડપ વ્યવસ્થા કરીને સેવા બજાવે છે.

3

આવતા વર્ષની પૂજ્ય બાપાની પચાસમી પુણ્યતિથિ સુધીમાં 1 લાખ વૃક્ષો વાવીને ઉછેરવાનું બાપાના સ્વયંસેવકોનું આયોજન છે, ગત વર્ષની 49 ની પુણ્યતિથિ શરૂ કરેલ વૃક્ષ ઉછેર અભિયાન હાલમાં પણ શરૂ રહ્યું છે. જે એક લાખ વૃક્ષો વાવી અને ઉછેરવાનું લક્ષ્યાંક સૌના સહકારથી પૂર્ણ થવામા છે.

Related Posts