અમરેલી

સુતરના તાંતણે ગોરા અંગ્રેજોને પડકારનારો લાઠીનો ‘અમર’ બઢિયા પરિવાર

જ્યારે આખું હિન્દુસ્તાન ગોરા-અંગ્રેજોની ગુલામીની બેડીઓમાં જકડાયેલું હતું અને ક્રાંતિની જ્વાળાઓ ફાટી નીકળી હતી, ત્યારે અમરેલીની સિંહભૂમિએ દેશની આઝાદીની વેદી પર એવો બળતો અંગારો હોમ્યો જેણે બ્રિટિશ સલ્તનતના પાયા હચમચાવ્યા હતા!

આ એ જ ગૌરવશાળી ધરા છે જ્યાં પૂ.મહાત્મા ગાંધીના ‘વણાટ ગુરૂ’ અને દાંડીકૂંચના અણનમ યોદ્ધા શ્રી રામજીભાઈ ગોપાલજી બઢિયાએ પોતાના આખા પરિવારના લોહીથી આઝાદીનો ઇતિહાસ કંડાર્યો હતો. આ ૧૫મી ઓગસ્ટે અમરેલીમાં યોજાનારા ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વે આ વિસ્મૃત ક્રાંતિવીરની શૌર્યગાથા પ્રત્યેક નાગરિકના રોમેરોમમાં દેશભક્તિનો લાવા ભરી દે તેવી છે.

બાપુના એક જ વેણે મુંબઈનો વૈભવ છોડ્યો –

મૂળ લાઠી ગામના વતની અને સ્વાતંત્ર્યસેનાની શ્રી રામજીભાઈ બઢિયા વણાટકામના એવા બેતાજ બાદશાહ હતા કે, મુંબઈની એ જમાનાની સૌથી મોટી મિલના માલિકો તેમના કૌશલ્ય આગળ ઝૂકતા હતા. મુંબઈમાં કમાણી અને મોભો બધું જ ચરમસીમાએ હતું, પણ હૃદયમાં માતૃભૂમિની આઝાદીની આગ ધબકતી હતી. એક રાત્રે મુંબઈમાં મોહનદાસ કરમચંદ ગાંધી સાથે તેમની મુલાકાત થઈ અને બાપુએ માત્ર એટલું જ કહ્યું, “તમારા વતન જઈને વણાટકામ કરો…”. બસ! આ એક જ વાક્ય તેમના હૃદયમાં ક્રાંતિની અગનજ્વાળા બનીને ત્રાટક્યું! તેમણે કટોકટીની એ જ રાત્રે મુંબઈના તમામ વૈભવ, મોટી દોમદાર નોકરીને લાત મારી દીધી અને વતનની માટી કાજે બીજા દિવસે સવારે પહેલી ટ્રેન પકડીને લાઠી દોડી આવ્યા.

સાબરમતી આશ્રમમાં જેમના શિષ્ય બન્યા ખુદ પૂ. મહાત્મા ગાંધીજી –

વર્ષ ૧૯૧૭માં જ્યારે સાબરમતી આશ્રમ ધબકતો થયો, ત્યારે ખાદી કાંતવાનું કામ શરૂ તો થયું પણ હાથ વણાટકામ આખા આશ્રમમાં કોઈને આવડતું નહોતું. તે સમયે ગાંધીજીને લાઠીનો એ સિંહ યાદ આવ્યો! બાપુએ ખાસ છગનલાલ ગાંધીને લાઠી મોકલીને રામજીભાઈને સહપરિવાર આશ્રમ તેડાવ્યા. શ્રી રામજીભાઈએ પોતાના પાંચ સંતાનો સાથે આશ્રમના ઉદ્યોગ મંદિરમાં મોરચો સંભાળ્યો અને ખુદ રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીને પણ હાથ વણાટકામની કળા શીખવીને ઇતિહાસમાં બાપુના ‘વણાટ ગુરૂ’ તરીકે અમર સિંહાસન મેળવ્યું.

દાંડીકૂચમાં સામી છાતીએ ગોળીઓ ખાવા અગ્નિકુંડમાં કૂદ્યો આખો પરિવાર –

વાત માત્ર વણાટકામ પૂરતી સીમિત નહોતી, લોહીમાં જ ક્રાંતિનો ઉકળાટ હતો. વર્ષ ૧૯૩૦માં જ્યારે બ્રિટિશ સામ્રાજ્યના કાળજા કંપાવનારી ઐતિહાસિક દાંડીકૂચનું રણશિંગું ફૂંકાયું, ત્યારે બાપુએ એવા સૈનિકોની યાદી તૈયાર કરી જે અંગ્રેજોના ગમે તેવા લાઠીચાર્જ કે અત્યાચાર સામે સામી છાતીએ ગોળીઓ ખાઈ શકે, પણ પાછા ન હટે! આ ચુનંદા સૈનિકોની યાદીમાં રામજીભાઈના એક જ ઘરના ૩-૩ મરજીવાઓ કૂદી પડ્યા હતા!  જેમાં ખુદ રામજીભાઈ, તેમના લોહીનો ટુકડો પુત્ર હરખજીભાઈ અને જમાઈ રત્નાજી બોસિયા સામેલ હતા. ગોરાઓની ફૌજ સામે સિંહની જેમ લડતા આ આખા પરિવારે જેલના સળિયા તોડ્યા અને અસહ્ય યાતનાઓ ભોગવી. સુતરના એક-એક તાંતણે બ્રિટિશ સલ્તનતનો ફાંદો બનાવનારા અમરેલીના આ લોખંડી વીર પરિવારનું બલિદાન આજે ૮૦મા આઝાદી પર્વે દેશના કરોડો નાગરિકો માટે સળગતી મશાલ સમાન છે!

ક્રાંતિવીર શ્રી રામજીભાઈ બઢિયા પરિવારના સભ્ય અને તેમના પ્રપૌત્ર શ્રી જનેશ ગોવિંદભાઈ બઢિયાએ જણાવ્યું કે, આઝાદીની લડતમાં મારા આખા પરિવારે જેલવાસ ભોગવ્યો હતો. પૂ. રામજીદાદા, રાષ્ટ્રપિતા ગાંધીજીના ‘વણાટગુરૂ’ છે, અને સમગ્ર દેશમાં એ સમયે અનેક રાષ્ટ્રભક્તોને તેમણે ખાદીનું હાથ વણાટકામ શીખવ્યું હતુ. અમને ગર્વ છે કે, અમારો પરિવાર સાબરમતી આશ્રમ નિવાસી હતો અને આજે પણ છે.

ઉલ્લેખનીય છે કે, પૂ. ગાંધી બાપુ વર્ષ ૧૯૨૫માં અમરેલી જિલ્લાના લાઠી ગામે વણકરવાસમાં મુલાકાતે આવ્યા હતા અને ગ્રામજનોની સભાને પણ સંબોધન કર્યું હતું.

“ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના અનુસૂચિત જાતિના લોકોનું યોગદાન” વિષય ઉપર પી.એચ.ડી કરનાર અને બરવાળા (જિ.બોટાદ)ના વતની શ્રી ડો. લલિત વાઘેલા જણાવે છે કે, આઝાદીના સંગ્રામની આ એક વિરલ ઘટના છે કે, શ્રી રામજીભાઈ બઢિયાના સમગ્ર પરિવારે દાંડીકૂચમાં ભાગ લીધો હતો. તેમનું યોગદાન ખરેખર અણમોલ રહ્યું છે. આઝાદીની ચળવળ દરમિયાન સમગ્ર ભારતમાં ખાદી હાથ વણાટકામ વેગવંતુ બનાવવા પાછળ પણ ક્રાંતિવીર શ્રી રામજીભાઈનો ફાળો અમૂલ્ય રહ્યો હતો.

આવો, સૌ અમરેલી ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વ-રાજ્યકક્ષાની ઉજવણીના અવસરે ભારતની આઝાદીની ચળવળમાં સર્વસ્વ હોમી દેનારા અને સર્વોચ્ચ બલિદાન આપનારા ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્યવીરોને યાદ કરીને તેમને વંદન કરી સલામ કરીએ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગૌગવભેર સહભાગી બનીએ.   

(માહિતી સ્ત્રોત- બઢિયા પરિવારના સભ્ય અને રામજીભાઈ બઢિયાના પ્રપૌત્ર શ્રી જનેશ ગોવિંદભાઈ બઢિયા-હાલ નિવાસી સાબરમતી આશ્રમઅમદાવાદ અને મૂળ નિવાસી લાઠી-અમરેલી.) 

Related Posts