અમરેલી

શ્રી કે.કે. હાઈસ્કૂલ સાવરકુંડલા ખાતે ‘ઓનલાઇન ગેમિંગના જોખમો અને સાવચેતી’ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા. ૧૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલા ખાતે વિદ્યાર્થીઓમાં ઓનલાઇન ગેમિંગના વધી રહેલા અતિરેક સામે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી “ઓનલાઇન ગેમિંગના જોખમો અને સાવચેતી” વિષય પર એક વિશેષ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​શાળાના પ્રાર્થના હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમનું સંચાલન સાયન્સ ટીચર તૃપ્તિબેન ભરાડ દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વક્તા ચેતનકુમાર ગુજરીયાએ વિદ્યાર્થીઓને ઓનલાઇન ગેમિંગના લતથી થતા શૈક્ષણિક, સામાજિક અને માનસિક દુષ્પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

​તેમણે પોતાના પ્રેરક વક્તવ્યમાં વિદ્યાર્થીઓને નીચે મુજબની મુખ્ય બાબતો અંગે માર્ગદર્શન અને સાવચેતી આપવાના સૂચનો કર્યા હતા:અજાણ્યા લોકો સાથે સંપર્ક ન કરવો, અંગત માહિતી ગુપ્ત રાખવી તેમજ ભ્રામક લિંક્સ અને સાયબર છેતરપિંડીથી બચવું.

​ ગેમિંગ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી અને ઓનલાઇન રમતોના બદલે અભ્યાસ તથા મેદાની રમતગમતને પ્રથમ પ્રાથમિકતા આપવી.કોઈપણ શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિ કે સાયબર ભય જણાય તો તુરંત જ વાલીઓ અથવા શિક્ષકોને જાણ કરવી.

​કાર્યક્રમ દરમિયાન વિડિઓ નિદર્શન (Video Demonstration) દ્વારા સાયબર સુરક્ષા અને ડિજિટલ સ્પેસમાં સુરક્ષિત વર્તન અંગે ગંભીરતાપૂર્વક સમજ આપવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ હતી.

​આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ ટેક્નોલોજીનો ઉપયોગ મર્યાદિત અને જવાબદારીપૂર્વક કરે તે માટેનો હતો. કાર્યક્રમના અંતે શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઓનલાઇન માધ્યમોનો સુરક્ષિત ઉપયોગ કરવા અને સાયબર સુરક્ષાના નિયમોનું અક્ષરશઃ પાલન કરવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Related Posts