સાવરકુંડલા શહેરમાં આજે સવારે આશરે સાડા છ વાગ્યાના સુમારે તેજ પવન સાથે વરસાદી આગમન થયું હતું. લગભગ એક કલાક સુધી સતત ઝરમર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો ભીના થઈ ગયા હતા. વહેલી સવારે વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી જતાં લોકો છત્રી અને રેઈનકોટ સાથે નજરે પડ્યા હતા.
દરમિયાન, શહેરની આંખની હોસ્પિટલ નજીક આવેલી શિવ-શક્તિ સોસાયટીમાં એક સંભવિત દુર્ઘટના ટળી હતી. ભારે પવનને કારણે ઝાડની ડાળીઓ સાથે ઘસાવાને લીધે એક રહેણાંક મકાનનો GEB મીટર તરફ જતો જીવંત (લાઈવ) સર્વિસ વાયર તૂટીને જાહેર રોડ પર પડ્યો હતો. મકાન માલિક ગેરહાજર હોવાથી, પડોશી અને પત્રકાર બિપીનભાઈ પાંધીએ સમયસૂચકતા વાપરીને તુરંત જી.ઈ.બી. (GEB) વિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ GEBની ટીમે યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચીને સૌપ્રથમ લાઈવ વાયરનું જોડાણ કાપી (ડિસકનેક્ટ કરી) મોટો અકસ્માત અટકાવ્યો હતો. ત્યારબાદ જરૂરી સુરક્ષા પદ્ધતિઓ સાથે સર્વિસ વાયરનું યોગ્ય રીતે પુનઃ જોડાણ કરી આપ્યું હતું.
વરસાદી વાતાવરણ વચ્ચે પણ વીજ નિગમની આવી ત્વરિત અને સરાહનીય કામગીરીથી સ્થાનિકોમાં રાહતની લાગણી વ્યાપી છે. GEBના ડેપ્યુટી એન્જિનિયર બોરડ સાહેબ અને તેમની ટીમ આવી વાવાઝોડા-વરસાદની સ્થિતિમાં પણ વીજ ફરિયાદોના ત્વરિત નિરાકરણ માટે સતત સતર્ક રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે.















Recent Comments