અમરેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીની યોજનાઓ, જલ જીવન મિશન સહિતની વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના આંતરિક પીવાના પાણીની યોજનાઓની સમીક્ષા દરમિયાન જણાવાયું હતું કે, જિલ્લામાં કુલ ૮૨૬ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે, જેમાંથી ૮૨૨ યોજનાઓ પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે ૦૪ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. પ્રગતિ હેઠળની યોજનાઓ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, લાઠી તાલુકાના કેરાળા તથા ખાંભા તાલુકાના કોદિયા ગામની પીવાના પાણીની યોજનાઓને મંજૂરી અર્થે ગાંધીનગર સ્થિત વાસ્મો કચેરી ખાતે મોકલવા બાબતે બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
યાંત્રિક વિભાગની કામગીરીની સમીક્ષા દરમિયાન મોટા આંકડિયા, જુના સાવર અને આદસંગ ગામના હયાત બોર પર પમ્પિંગ મશીનરી સ્થાપિત કરવા અંગેની ત્રણ કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં પૂર્ણ થયેલી પાણી પુરવઠા યોજનાઓના પેન્ડિંગ બિલ, ઓડિટ તથા સર્ટિફિકેશન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં જર્જરિત ઊંચી પાણીની ટાંકીઓને તોડી પાડવાની કામગીરી માટે તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા જિલ્લા પંચાયતને સૂચના આપવામાં આવી હતી. જલ જીવન મિશન અંતર્ગત જિલ્લામાં કુલ ૫૫૪ ગામોના જલ આકલનની કામગીરી પૂર્ણ કરી DIP-JJMમાં સબમિટ કરવામાં આવી હોવાનું બેઠકમાં જણાવાયું હતું.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, યુનિટ મેનેજરશ્રી, જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી ઉપરાંત શિક્ષણ, આરોગ્ય, યાંત્રિક, પાણી પુરવઠા-પંચાયત વિભાગના અધિકારીઓ તથા વાસ્મોના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.















Recent Comments