ગુજરાત

સખી મંડળોના ઉત્પાદનોને મળશે વ્યાપક બજાર:રાજ્યના ૧૩૬ બસ સ્ટેન્ડ પર શરૂ થયા ગ્રામ હાટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની રાજ્યની બહેનોને “નવરાત્રિની ભેટ”

રાજ્યની બહેનોને “નવરાત્રિની ભેટ” આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ આજે ૨૭ જિલ્લામાં બસ સ્ટેશનો પર સખીમંડળ સંચાલિત ૧૩૬ જેટલા ગ્રામહાટનું રાજકોટથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે મહિલાલક્ષી વિવિધ પહેલો સાથે ત્રિ-દિવસીય ‘સરસ મેળા’નો શુભારંભ કરાવ્યો હતો. “ગૃહ નારી”ને “લક્ષ્મી સ્વરૂપા” બનાવતી આ પહેલોની જાહેરાતને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સભામાં ઉપસ્થિત હજારો બહેનોએ હર્ષભેર વધાવી લીધી હતી. 
ગ્રામ વિકાસ વિભાગ અને ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહિલાઓને વિકાસયાત્રામાં માત્ર લાભાર્થી નહીં, પરંતુ ડેવલપમેન્ટ પાર્ટનર બનાવવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો નિર્ધાર છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ સૌને આવતીકાલથી શરૂ થઈ રહેલી નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
મહિલાઓને આર્થિક પગભર બનાવવાના ભાગરૂપે આજે અનેક નવી પહેલો શરૂ કરવા બદલ તેમણે મંત્રીશ્રી અને વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, રાજ્યના ૧૩૬ બસ સ્ટેશનોમાં સખીમંડળ સંચાલિત ગ્રામહાટના શુભારંભ સાથે અહીં ૧૩ એમ.ઓ.યુ. થયા છે. બસ સ્ટેશનો અને રેલવે સ્ટેશન પર સ્વસહાય જૂથની બહેનોના ઉત્પાદનના વેચાણ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનાથી ગ્રામીણ માતા-બહેનોના હસ્તકલા ઉત્પાદનો અને ગૃહ ઉદ્યોગની ખાદ્ય સામગ્રીઓને વિશાળ બજાર મળશે અને વોકલ ફોર લોકલ મંત્ર સાર્થક થશે.

મહિલાઓને સફળ ડિજિટલ ઉદ્યોગ સાહસિક બનાવવા એન.આઈ.એફ.ટી., માઈકા, ડી.ડબલ્યુ.આઈ.આઈ. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા મેન્ટરશિપ અને માર્ગદર્શન પૂરું પાડવા વિશેષ પહેલ શરૂ કરાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ સાથે કહ્યું હતું કે, અમૂલ દ્વારા રાજ્યમાં ૧૮ હજાર ગામોમાં મહિલા સંચાલિત મિલ્ક પાર્લર શરૂ કરવામાં આવશે. આ માટે આજે જી.એલ.પી.સી. અને અમૂલ વચ્ચે એમ.ઓ.યુ. થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ આજના પ્રસંગને શક્તિ ઉપાસનાના પર્વ પહેલા નારીશક્તિને સમૃદ્ધ કરવાની ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનો અવસર ગણાવ્યો હતો.
વડાપ્રધાનશ્રીના ‘વુમન લેડ ડેવલપમેન્ટ’ના મિશનનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યભરમાં અઢી લાખ જેટલા સખીમંડળોની ૩૦ લાખ ગ્રામીણ બહેનો પોતાના કૌશલ્યથી માતબર આર્થિક આવક મેળવતી થઈ છે.
મહિલાઓની આર્થિક ઉન્નતિ માટે નાણાંની પૂરતી વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે આ ક્ષેત્રે ગયા વર્ષે રૂ. ૮૦૦ કરોડની સહાય આપી છે અને આવનારા વર્ષોમાં અનેકગણી વધુ સહાય આપવા સરકારની તૈયારી છે.
તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૯ સુધીમાં દેશમાં ૬ કરોડ લખપતિ દીદી બનાવવાની વડાપ્રધાનશ્રીની નેમ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮.૫ લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે. 
આજે શરૂ થયેલી પહેલો ગ્રામીણ ગુજરાતની આવનાર સમયની સમૃદ્ધિનો પાયો બનશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ આ તકે વ્યક્ત કર્યો હતો.
પ્રધાન સેવક તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સૌ માતા-બહેનોના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને દેશભરની નારી શક્તિનું ગૌરવ વધાર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા-રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ તેમજ ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલા મહિલા અને બાળવિકાસ વિભાગ, નારી ગૌરવ નીતિ વગેરેનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

આ અવસરે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાઈવલીહુડ પ્રમોશન કંપનીની સ્થાપના કરવામાં આવી હતી, જેના પરિણામે સખી મંડળોની રચના થઈ અને મહિલાઓના જીવનમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ વિકાસ ક્ષેત્રે અદભુત ક્રાંતિ આવી છે. રાજ્યભરમાં કાર્યરત અંદાજે ૦૩ લાખથી વધુ સખી મંડળો થકી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર અને સશક્ત બની રહી છે. આજે કાર્યક્રમમાં થયેલા વિવિધ એમ.ઓ.યુ.નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, સહકાર અને પશુપાલન વિભાગના સંકલનથી મહિલાઓની આર્થિક ઉડાનને પાંખો મળશે.

જ્યારે ગ્રામવિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ દરમિયાન અનેક ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બની છે. ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણની દિશામાં ‘મિશન મંગલમ’ અભિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રામીણ મહિલાઓ માત્ર ઘર સંભાળવા પૂરતી સીમિત નથી રહી, પરંતુ પોતાની કલા અને કૌશલ્ય થકી રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહી છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રાજ્યભરમાં યોજાયેલા ૨૩૬ જેટલા સરસ મેળામાં ૮૫૦૦ જેટલા સ્વસહાય જૂથોએ અંદાજે રૂ. ૪૦ કરોડ જેટલું વેચાણ કર્યું છે. આ મેળાના માધ્યમથી બહેનોની હસ્તકલા અને ઉત્પાદનોને બજાર પૂરું પાડવામાં આવે છે, જેથી તેઓ આર્થિક રીતે મજબૂત બની શકે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ પધાર્યા બાદ પહેલા રેસકોર્સ ખાતે આયોજિત ત્રિદિવસીય સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો તેમજ સ્વ સહાય જૂથની બહેનો સાથે સંવાદ કર્યો હતો. જેમાં બહેનોએ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું તેમજ કલા કારીગરીના નિદર્શન અને રોજગારી માટે સરસ મેળાનો “સરસ મંચ” આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સંવાદમાં બહેનોએ કહ્યું હતું કે, અહીં અમારે સ્ટોલનું કોઈ ભાડું નથી આપવું પડતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તરફથી બહેનોને આ સ્ટોલ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે.

સ્વ સહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોના માર્કેટિંગ અને વેચાણ માટે જગ્યા અને બજાર મળે તે હેતુથી જી.એલ.પી.સી. દ્વારા રેલવે, જી.એસ.આર.ટી.સી., રાજ્યના પશુપાલન અને સહકાર વિભાગ, અમૂલ, માઇકા, ઈ.ડી.આઈ.આઈ., એન.આઈ.એફ.ટી., સરદાર પટેલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ એસ.બી.આઈ., પી.એન.બી., આઈ.સી.આઈ.સી.આઈ., બી.ઓ.બી., સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે મળીને ૧૩ સમજૂતિ કરાર કરવામાં આવ્યા હતા.
ઉપરાંત વિવિધ સ્વસહાય જૂથને અમૂલ પાર્લર એલોટમેન્ટ લેટર, રૂ. ૪૫ લાખના કેશ ક્રેડિટ ચેક અને ડેરી સાથે સંકળાયેલા સ્વસહાય જૂથને રૂ. ૪૦ લાખના કેશ ક્રેડિટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય સખી મંડળોને ઈ-કોમર્સ ઇન્સેન્ટિવના કુલ રૂ. ૧,૦૮,૬૪૦ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે અંત્યોદયના ભાવને સાકાર કરતા વિચરતી વિમુક્ત જાતિના જિલ્લાના ૧૩૯ પરિવારોને રહેણાંક હેતુ માટે પ્લોટનું વિનામુલ્યે વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 
કાર્યક્રમના આરંભે જી.એલ.પી.સી.ના મેનેજિંગ ડિરેક્ટર સુશ્રી પ્રશસ્તિ પારીકે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તેમજ મહિલા ઉત્કર્ષ અર્થે જી.એલ.પી.સી. દ્વારા કરાઈ રહેલી કામગીરી અંગે વિગતો રજૂ કરાઈ હતી.
આ તકે મેયર શ્રી ડો. નેહલ શુક્લ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઈ પીપળીયા, સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય સર્વ શ્રી ડો. દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી મેઘજીભાઈ ચાવડા, ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક (ઈ) શ્રી પ્રિયંક ગલચર, અગ્રણી શ્રી માધવભાઈ દવે, સખી મંડળની મહિલાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts