અમરેલી

વિપરીત પરિસ્થિતિઓને હરાવી વિજ્ઞાન ક્વિઝમાં ચમક્યો જાબાળનો ભાર્ગવ: ઈનામમાં મળ્યું સેમસંગ ટેબલેટ

બાઢડા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ. એન. વિરાણી હાઈસ્કૂલના ધોરણ-૧૦ ના તેજસ્વી વિદ્યાર્થી બોરીસાગર ભાર્ગવ બકુલભાઈ (વતન: જાબાળ) એ રાજ્યકક્ષાએ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરીને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

​ગુજકોસ્ટ, DST (ગુજરાત સરકાર) પ્રાયોજિત ડિસ્ટ્રિક્ટ કમ્યુનિટી સાયન્સ સેન્ટર,અમરેલી દ્વારા આયોજિત ‘નેશનલ સ્ટેમ્પ ક્વિઝ 4.0’ માં ભાર્ગવે ઝોનલ કક્ષાએ સફળતા મેળવી રાજ્યકક્ષાએ પસંદગી પામી છે. આ સિદ્ધિ બદલ ગાંધીનગર ગુજકોસ્ટ દ્વારા તેને પ્રોત્સાહનરૂપે સેમસંગ કંપનીનું ટેબલેટ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યો છે.

​નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનાર ભાર્ગવ અત્યંત સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે. તેની માતા દિવસ-રાત ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને દીકરાને ભણાવે છે. માતાની આ કાળી મજૂરી અને ત્યાગ સામે ભાર્ગવની મહેનત રંગ લાવી છે.

​શાળાના માર્ગદર્શક શિક્ષક દિલીપભાઈ રાઠોડ સરની દેખરેખ હેઠળ ભાર્ગવે આ સફળતા મેળવી છે. પર્વત જેવડી મુશ્કેલીઓ વચ્ચે વિદ્યાર્થીએ મેળવેલી આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખશ્રી કાળુભાઈ વિરાણી, આચાર્યશ્રી ડો. મધુરભાઈ પી. બગડા તથા સમગ્ર શાળા પરિવારે ભાર્ગવને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.

Related Posts