દાવો કરે છે દોડનો ને
રસ્તાઓ પણ બિસ્માર છે,
જેને કહો છો ‘વિકાસ’ એ
તો ભ્રમ જ નો વિકાર છે!
જીવ લે છે ખાડા ને ક્યાંક
આપે છે સંજીવની પણ,
તંત્રની શરમ પર જ આ
રોડનો કેવો કારભાર છે!
–“પાંધી સર”
ઋષિકેશના ગીતાનગરના રહીશ સાઈ રામને હોસ્પિટલ દ્વારા મૃત જાહેર કરાયા બાદ પરિજનો અશ્રુભીની આંખે એમ્બ્યુલન્સમાં પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા હતા. શ્યામપુર રેલવે-ફાટક પાસે અચાનક એમ્બ્યુલન્સનું ટાયર રસ્તાના એક ઊંડા ખાડામાં ખાબકતાં વાહનને જોરદાર ઝટકો લાગ્યો હતો. આ ચમત્કારિક આંચકાથી મૃત મનાતા સાઈ રામે આંખો ખોલી અને શ્વાસ લેવા લાગ્યા! પરિવારજનોએ તાત્કાલિક સ્મશાનનું બુકિંગ રદ કરાવી તેમને AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ ઘટના હાલ સમગ્ર વિસ્તારમાં કૌતુક અને ચર્ચાનો વિષય બની છે. ઋષિકેશનો આ કિસ્સો ભલે પરિવાર માટે ચમત્કારિક સાબિત થયો હોય, પણ શું તંત્ર રસ્તાના આવા જાનલેવા ખાડાઓને ‘જીવનદાતા’ ગણાવી પોતાની નિષ્ફળતા ઢાંકી શકે?
એક તરફ આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. ધાર્મિક સ્થળોએ પણ ટુરિઝમ વિકસાવવામાં આવી રહ્યું છે અને પહાડો કોતરીને મોટી ટનલો બનાવી પ્રકૃતિને આર્ટિફિશિયલ બનાવવાનો દોર ચાલી રહ્યો છે. મોટા પ્રોજેક્ટો માટે હજારો વૃક્ષોનો સોથ વાળી દેવાય છે. જો કે, તેની અવેજીમાં કાગળ પર વૃક્ષારોપણના મોટા મોટા દાવા થાય છે, પરંતુ તે વૃક્ષોની યોગ્ય માવજત થાય છે કે કેમ તે મોટો યક્ષપ્રશ્ન છે. અહીં એ જ કહેવત સાચી ઠરે છે કે “ઉજળું એટલું દૂધ નહીં.” જેને આપણે વિકાસ સમજી રહ્યા છીએ, તે ખરેખર તો પ્રકૃતિ અને માનવજીવન માટે એક વિકારનો ભ્રમ સાબિત થઈ રહ્યો છે.
શહેરોમાં થોડોક વરસાદ પડે ત્યાં જ પાણી ભરાવાના અને ભુવા પડવાના એંધાણ દેખાવા લાગે છે. નબળી ગુણવત્તા અને અણઘડ વહીવટના કારણે પ્રજા પીસાય છે. જ્યારે રસ્તાઓની દશા પર સવાલો ઉઠે છે, ત્યારે નેતાઓ ભૂતકાળની સ્થિતિ સાથે સરખામણી કરીને પોતાના લૂલા બચાવ રજૂ કરતા જોવા મળે છે. દેશમાં રસ્તાઓની આવી દશા જોઈને જનતાએ તો હવે મંત્રી ગડકરીને **’ખાડા કરી’**નું હુલામણું નામ આપી દીધું છે!
કામમાં થતા અતિશય વિલંબ અને ખરાબ સ્થિતિથી ખુદ મંત્રી પણ ઘેરાયા છે; ગોવા-મુંબઈ હાઈવેના નિર્માણમાં થતા વિલંબ અંગે તેમણે સ્વીકારવું પડ્યું હતું કે “મને આ વિલંબ માટે શરમ આવે છે અને જ્યાં સુધી આ રસ્તો પૂરો નહીં થાય ત્યાં સુધી હું તેના ઉદ્ઘાટન કરવા નહીં જાઉં.”
ચૂંટણી સમયે જનતાને આંબા-આંબલી દેખાડીને વોટ મેળવી લેવાય છે, પરંતુ મતદાન પૂરું થતાં જ પ્રજાને રાજનીતિની ‘આમલી-પીપળી’ અને ‘ઓળકાંમઠા’ જેવી રમતો વચ્ચે રઝળતી મૂકી દેવામાં આવે છે.
અખબારો સ્વભાવ મુજબ આ વિષમ પરિસ્થિતિને પોતાની શાલીન ભાષામાં પ્રકાશિત કરી તંત્રનું ધ્યાન દોરે છે, પરંતુ દર વર્ષે પરિસ્થિતિ એની એ જ રહે છે. તંત્ર પર હૈયાવરાળ ઠાલવવા હવે લોકો સોશિયલ મીડિયા પર ખરાબ રસ્તાઓની રીલ્સ બનાવી વાયરલ કરી રહ્યા છે. કાગળ પરની ચમક-ધમક વચ્ચે જનતા હવે જમીની સ્તર પર ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષિત માર્ગોની માંગ કરી રહી છે.














Recent Comments