આપણી સાંસ્કૃતિક પરંપરાઓમાં મૈત્રીને લિંગ સાથે જોડી દેવામાં આવે છે. એટલે કે સમલૈંગિક એવા લોકો સાથે જ તમે મૈત્રી સંબંધો બાંધી શકો,ઉભા કરી શકો અને નિભાવી શકો છો. પ્રતિપક્ષમાં એટલે કે લૈગિંક ભેદ ધરાવતા લોકો એકમેક સાથે મૈત્રી કેળવી શકતા નથી. અથવા જ્યારે કેળવે છે ત્યારે હજારો આંગળીઓ તેની સામે તીરની જેમ ભોંકાય છે. કોઈ બળવાખોર અથવા અત્યંત સભ્ય એવા સમાજના લોકો આવી કોઈ વાતની પરવા કર્યા વગર પોતાના રસ્તે જ અને પોતાની મનસુફી મુજબ જ ચાલે છે, વર્તે છે.ત્યાં ગજરાજની પાછળ ભોકંતા લોકોનું ઉદાહરણ આપીને આવી ટીકાઓને કચરા ટોપલીમાં પધરાવી દેવામાં આવે છે.
મૈત્રીના સંબંધોને મન સાથે, હૃદય સાથે જોડી રાખવા જોઈએ. કદાચ આપણી સભ્યતા,રૂઢિગત માન્યતાઓ એ મુજબ વર્તવાનું સૌને ડંકાની ચોટ ઉપર કહે છે. આ દીવાલને ભેદવાનું સાહસ કોઈ કરતું નથી! સ્વભાવિક છે, આવી મૈત્રી જ દૂ:સાહસનો ભાગ બની જાય છે. આજકાલ સોશિયલ મીડિયા ઉપર મેસેજની થતી આપ લે જ્યારે સ્ત્રી અને પુરુષ વચ્ચે હોય છે.ત્યારે મહદ અંશે મહિલા પોતાની જાતને સલામત અનુભૂતિનો અહેસાસ કેવી રીતે થઈ શકે તેની સતત કાળજી લેતી હોય છે.એક પ્રકારનો એવો ભય સતત તેને કોરી રહ્યો છે કે રખે ને આ સંબંધોને પ્રતિપક્ષનો માણસ મૈત્રીના મખમલી કીનખાબમા ચાલવાના બદલે કોઈ બાવળના બડીયા જેવા કાંટા રસ્તામાં નહીં પાથરી દેને!!? તેથી કોઈપણ મેસેજનો એ પ્રત્યુતર ‘ભાઈ… ભાઈ… ભાઈ…’ એવું પોકારણ ગઢના કાંગરે ચડીને આ પોતાની જાતને સબળા સમજતી માતૃશક્તિ કરતી રહે છે.પરંતુ વાસ્તવમાં તે જાતે અંદરથી કંઈક ખલબલી થઈ રહ્યાંનો અનુભવ કરતી રહે છે.
સંબંધોને લૈગિંક મર્યાદામાં મૂકવાની ભારતીય સભ્યતામાં એક જ ઉદાહરણથી જરૂરિયાત જણાતી નથી. કૃષ્ણ અને દ્રોપદી આપણા બે એવા પાત્રો કે જેને તમે આઈડિયલ મૈત્રીના ઉદાહરણો તરીકે કોઈપણ જગ્યા એ ગમે ત્યારે પ્રસ્તુત કરી શકો, તેવા તેના ચરિત્ર ચિત્રણો મળે છે. કૃષ્ણ સાથે કદાચ ભવોભવનો સાથ નિભાવવાનો ભલે દ્રોપદીના ભાગ્યમાં નથી. પરંતુ કૃષ્ણની આંખ,કાન અને હાથ તેને મદદ માટે 24 / 7 તૈયાર હતા. ઉદાહરણ બહુ ખૂબ સહજ છે કે શિશુપાલના વધ વખતે સુદર્શન ચક્ર કૃષ્ણની આંગળી ઉપર વાગી જાય છે.ઘાયલ કૃષ્ણ આંગળીથી જરૂર ઘાયલ થયા પરંતુ તેની શ્રદ્ધા ક્યાંય ખંડિત થયેલી ન હતી.દ્રોપદી પોતાનો પાલવ ફાડીને જે પાટો કૃષ્ણની આંગળી ઉપર બાંધે છે તે તત્ક્ષણ ભલે તેને માટે રુઝ લાવી ગયો. પરંતુ તે કૃષ્ણ માટે દ્રોપદીનો સાથ અને સાદ કરવાનું એક અહેસાન છોડી ગયો.તે પૂરું કરવા માટે વસ્ત્રાહરણ સભામાં કૃષ્ણએ આવવું પડ્યું.આ સંબંધોની એક ગરિમા દરેક પાસે અપેક્ષિત છે.
પણ સાંપ્રત સમય ફાસ્ટ,ફોગટ અને ફિયરને વરેલો સમય છે.તેથી પુરુષને કોઈ મેસેજ મોકલતા સ્ત્રીના ટેરવા થરથરે છે.એવા બબૂચકો પણ છે કે જે કોઈના આવા મેસેજથી અનેક ગલગલીયાઓની કલ્પનાઓમાં ઉડતા ઉડતા ક્યાં પહોંચીને શું કરી બેસે છે તે કશું નક્કી હોતું નથી તે વાત પણ એટલી જ સો ટચની છે.તેથી જ દરેક સ્ત્રી પાસે એક કસોટી જે મોટે ભાગે સોનાર પાસે હોય છે કે કયું કંચન છે અને શું કથીર છે,?!!
કવિ ખલીલ ધનતેજવીના બે શેર ખૂબ મોટો સંદેશ આપી જાય છે.
“મળવું હો તો આનાકાની નહીં કરવાની મહોબત આમ છાનામાની નહીં કરવાની
જરૂર પડે તો ખલીલ આ માથું દઈ દેવાનું
મિત્રતામાં પાછી પાની નહીં કરવાની”














Recent Comments