અમરેલી

અમરેલી જિલ્લામાં તા. ૧૭ સપ્ટેમ્બર થી તા.૧૭ ઓક્ટોબર સુધી સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન, શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર સ્થળો, શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી એક મહિના માટે ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં વ્યાપક સ્તરે સ્વચ્છતાલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાનને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં શરૂ છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમગ્ર જિલ્લાને વધુ સુંદર-સ્વચ્છ બનાવવાનો છે.

આ અભિયાન હેઠળ અમરેલી જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવશે. જેમાં મુખ્યત્વે જાહેર સ્થળો, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ તમામ સરકારી કચેરીઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. આ ઉપરાંત, જનભાગીદારી (લોકભાગીદારી) સાથે આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટે ‘સ્વચ્છ પાઠશાળા’, ‘સફાઈ મિત્ર સુરક્ષા અને સમ્માન શિબિર’ તેમજ નક્કી કરાયેલા વિવિધ ‘ટારગેટ યુનિટો’ની વિશેષ સફાઈ જેવા રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ મહા-અભિયાનના ભાગરૂપે આગામી તા. ૦૧ ઓક્ટોબરના રોજ એક વિશેષ શ્રમદાન કાર્યક્રમ યોજાશે. આ દિવસે સવારે ૮ થી ૯ વાગ્યા સુધી “એક દિન, એક ઘંટા, એક સાથ” ના સુત્ર સાથે જિલ્લાના તમામ જાહેર સ્થળોની સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને યુવાનોને આ એક કલાકના શ્રમદાનમાં જોડાઈને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા અને આ સફાઈ યજ્ઞને સફળ બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

સ્વચ્છતા એ માત્ર આપણી આસપાસની સુંદરતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે આપણા સારા આરોગ્ય અને તંદુરસ્ત જીવનનો પાયો છે. જ્યારે આપણી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહે છે, ત્યારે ગંદકીથી ફેલાતા રોગો અને મચ્છરોનો ઉપદ્રવ આપોઆપ ઘટી જાય છે. આમ, ‘સેવા સંકલ્પ અભિયાન’માં ભાગીદાર બનીને આપણે માત્ર આપણા ગામ કે શહેરને જ સ્વચ્છ નથી રાખતા, પણ આપણા પરિવાર અને સમાજના ઉત્કૃષ્ટ આરોગ્યની પણ રક્ષા કરીએ છીએ.

Related Posts