ભાવનગર

ભાવનગરના હિમાલયા મોલ સ્થિત મેક્સસ સિનેમાનું લાયસન્સ તાત્કાલિક અસરથી મોકુફ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ

ભાવનગરના હિમાલયા મોલ સ્થિત મેક્સસ સિનેમા ખાતે ફાયર સેફ્ટી સહિતની વિવિધ ક્ષતિઓ બદલ લાયસન્સ
તાત્કાલિક અસરથી મોકુફ રાખવાનો હુકમ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ દ્વારા કરવામાં આવ્યો હતો.
ભાવનગર શહેરના હિમાલયા મોલ ખાતે બીજા માળે આવેલ મેક્સસ સિનેમાની તા.૦૭/૦૯/૨૦૨૬ના રોજ સીટી
મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. તપાસણી
દરમિયાન સિનેમા સંચાલન અંગે વિવિધ ક્ષતિઓ તથા ગુજરાત સિનેમા નિયમો-૨૦૧૪ અને લાયસન્સની શરતોનો
ભંગ થયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું.
તપાસણી દરમિયાન સિનેમા દ્વારા રજૂ કરવામાં આવેલ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી જ રીન્યુ
થયેલ હોવાનું જણાયું હતું. ત્યારબાદ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રીન્યુ કરાવેલ હોવાના કે રીન્યુઅલ માટે અરજી કરેલ
હોવાના આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત સિનેમા તથા શોપિંગ મોલનું પાર્કિંગ અલગ-અલગ
રાખવાની લાયસન્સની શરતનું પાલન થયેલ હોવાનું જણાયું ન હતું.
તપાસ દરમિયાન લાયસન્સ મુજબ શ્રીજી એક્ઝીબીટર્સને સિનેમા સંચાલન કરવા માટે લાયસન્સ આપવામાં આવેલ
હતું પરંતુ શ્રીજી એક્ઝીબીટર્સ દ્વારા સપ્ટેમ્બર-૨૦૨૫ થી ઓગસ્ટ-૨૦૨૬ સુધી શ્રીજી સિનેમાસ બોરીવલી મુંબઈને લીવ
એન્ડ લાયસન્સ એગ્રીમેન્ટથી ભાડે આપેલ હોવાનું કરાર રજૂ કરેલ છે. ત્યારબાદ આ કરાર રીન્યુ કરેલ હોવાનું
જણાવેલ છે પરંતુ નવો કરાર રજૂ કરેલ નથી. આમ, પૂર્વ પરવાનગી વગર શ્રીજી એક્ઝીબીટર્સ દ્વારા સિનેમા સંચાલન
અન્ય એજન્સીને કરારથી આપેલ હોવાનું જણાય છે. આમ, ગુજરાત સિનેમા નિયમો ૨૦૧૪ના નિયમ ૧૩૧નો ભંગ
થયેલ છે.

આ ઉપરાંત લાયસન્સ ધારક પાસે જી.એસ.ટી. ભર્યાનું ટેક્સ ઈનવોઈસ માંગતા લાયસન્સ ધારકે શ્રીજી સિનેમાનું
જી.એસ.ટી.નંબર 24AFRFS0590P1Z7 થી રજૂ કરેલ છે. જે લાયસન્સ ધારક શ્રીજી એક્ઝીબીટર્સના જી.એસ.ટી.નંબર
24ABCF54464MIZV થી અલગ છે.
સિનેમા લાયસન્સમાં દર્શાવાયેલ મેનેજર તથા ટિકિટ વેચાણ કર્મચારીઓમાં ફેરફાર અંગે લાયસન્સ કચેરીને જાણ
કરવામાં આવેલ હોવાનું જણાયું ન હતું. તપાસણી સમયે મેનેજર હાજર ન હતા અને ટેલિફોનિક જાણ કર્યા બાદ
આશરે ૩૦ મિનિટ પછી તેઓ હાજર થયા હતા. તેમજ ટિકિટ બુકિંગ લાયસન્સમાં દર્શાવેલ સ્થળ ઉપરાંત ગ્રાઉન્ડ
ફ્લોર પર પણ થતું હોવાનું જણાયું હતું.
આ ઉપરાંત સિનેમા ખાતે અધિકારીઓની સમયાંતરે થતી મુલાકાતોની વિઝિટર બુક નિભાવવામાં આવેલ ન હોવાનું,
પરિસરમાં પૂરતા પ્રમાણમાં કચરાપેટી તથા થૂંકદાની ન હોવાનું તેમજ ચલચિત્ર અંગેની જરૂરી માહિતી, મુવીના
પ્રમાણપત્રનો પ્રકાર અને આગની ઘટના સમયે સાવચેતીના પગલાં અંગેના સૂચનો તથા સાઇનબોર્ડ દર્શાવવાની
લાયસન્સની શરતોનું પાલન થયેલ ન હોવાનું તપાસણી દરમિયાન સામે આવ્યું હતું.
આ રીતે લાયસન્સ ધારક દ્વારા ગુજરાત સિનેમા નિયમો-૨૦૧૪ના નિયમ ૧૧૨, ૧૧૭, ૧૧૯ અને ૧૩૧ તેમજ
લાયસન્સની વિવિધ શરતોનો ભંગ કરવામાં આવેલ હોવાનું જણાયું હતું. ખાસ કરીને ફાયર સેફ્ટી સર્ટિફિકેટની
માન્યતા તા. ૧૯/૬/૨૬ ના રોજ પૂર્ણ થયા બાદ તેનું રીન્યુઅલ કરાવેલ હોવાના આધાર-પુરાવા રજૂ કરવામાં
આવ્યા ન હોવાથી આગની દુર્ઘટના સર્જાય તો જાનમાલની હાનિ થવાની ગંભીર સંભાવનાને ધ્યાને લેવામાં આવી
હતી.
સબબ, ગુજરાત સિનેમા નિયમો-૨૦૧૪ના નિયમ ૧૩૬(૨) હેઠળ મળેલ સત્તાની રૂએ શ્રી મનહરલાલ બી. મહેતા,
પાર્ટનરશ્રી, શ્રીજી એક્ઝીબીટર્સને આપવામાં આવેલ મેક્સસ સિનેમા સ્ક્રીન-૧ થી ૪નું સિનેમા લાયસન્સ તેમજ
સિનેમામાં પ્રવેશ ટિકિટ, પાસ અથવા પ્રવેશ હક્ક અંગેના દાખલા વેચવા, વેચાણ માટે રાખવા અથવા વેચાણ માટે
કાઢવા/મૂકવા અંગેનું લાયસન્સ તાત્કાલિક અસરથી મોકુફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સિનેમા ચાલુ કરવા
અંગે અત્રેથી બીજો હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી આ લાયસન્સ મોકુફ રહેશે.

Related Posts