ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહુવા માં ૬૨૩ વયોવૃદ્ધજનોને રૂ. ૫૯.૩૮ લાખની સાધન સહાયનું નિઃશુલ્ક વિતરણ કરાશે

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકારની રાષ્ટ્રીય
વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ મહુવા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાનારા આ કેમ્પમાં ૬૨૩
વયોવૃદ્ધજનોને કુલ રૂ. ૫૯,૩૮,૬૫૦ના ખર્ચે ૩,૪૧૨ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી તથા ભાવનગરના સાંસદ શ્રીમતી નિમુબેન
જયંતિભાઈ બાંભણિયાના માર્ગદર્શન હેઠળ આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે. સામાજિક ન્યાય અને
સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી તથા ALIMCO દ્વારા આ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મહુવા તાલુકાના ૬૨૩ વયોવૃદ્ધજનોને વિવિધ સાધનોની સહાય
મહુવા ખાતે યોજાનારા વિતરણ કેમ્પમાં અગાઉથી ઓળખ કરાયેલા વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ
વિવિધ સહાયક સાધનો વિનામૂલ્યે આપવામાં આવશે. જેમાં ૭૯ વ્હીલચેર, ૫૦૪ ચાલવાની લાકડીઓ, ૬૧૨
શ્રવણયંત્રો, ૯૪ કૃત્રિમ દાંત, ૪૨૯ કમરનાં પટ્ટા, ૧,૦૯૦ ઘૂંટણના સપોર્ટ, ૪૦ ખભાના સપોર્ટ, ૯૦ વોકર, ૨૮૦ સીટ
કુશન અને ૧૯૪ કોમોડ સ્ટૂલનો સમાવેશ થાય છે.

આ સાધનો વરિષ્ઠ નાગરિકોના દૈનિક જીવનમાં સરળતા લાવવા, તેમની ગતિશીલતા વધારવા તથા સ્વાવલંબનને
પ્રોત્સાહન આપવાના હેતુથી વિતરિત કરવામાં આવશે.
ભાવનગર જિલ્લામાં ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની ઓળખ
ભાવનગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને યોજનાનો વ્યાપક લાભ મળે તે માટે સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી
નિમુબેન બાંભણિયાના અનુરોધને પગલે ALIMCO દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓળખ અને
નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી તા. ૩૦ જૂન, ૨૦૨૫થી તા. ૧૬ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન તાલુકાવાર તપાસ
અને મૂલ્યાંકન કેમ્પ યોજાયા હતા. આ કેમ્પના આધારે ભાવનગર જિલ્લામાં કુલ- ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની ઓળખ
કરવામાં આવી છે. તેમને કુલ- ૪૫,૯૬૮ સહાયક સાધનોનું રૂ. ૭,૬૫,૬૯,૦૩૬/-ના મૂલ્યના સાધનોનું નિઃશુલ્ક
વિતરણ કરવામાં આવનાર આવ્યું છે.
વિવિધ સહાયક સાધનો થકી વરિષ્ઠ નાગરિકોને સશક્ત બનાવવાનો પ્રયાસ
રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત ભાવનગર જિલ્લાના લાભાર્થીઓને વ્હીલચેર, ચાલવાની લાકડીઓ, શ્રવણયંત્રો,
કૃત્રિમ દાંત, કમર તથા ઘૂંટણના સપોર્ટ, ખભાના સપોર્ટ, ગળાના પટ્ટા, વોકર, સીટ કુશન, કોમોડ સ્ટૂલ અને ક્રચ
સહિતના સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્ર સરકારની આ યોજના વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સુગમતા લાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવાની
દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. મહુવા ખાતે યોજાનાર આ કેમ્પ દ્વારા વયોવૃદ્ધજનોને તેમની જરૂરિયાત
મુજબની સાધન સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ
શ્રીમતી નીતાબેન, મહુવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતલબેન, પ્રાંત અધિકારી સુશ્રી સુસ્મિતા, જિલ્લા સામાજિક
સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ, ALIMCO ગુજરાતના ઇન્ચાર્જ શ્રી મૃદુલ અવસ્થી સહિતના મહાનુભાવો,
જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Related Posts