ભાવનગર જિલ્લાના નાગરિકો અને ગ્રાહકોના સ્વાસ્થ્ય, આહારની શુદ્ધતા અને સુરક્ષાની સુનિશ્ચિતતા કરવી
જરૂરી છે. ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટમાં ખોરાક માટે કિંમત ચૂકવતા હોય છે. તેના બદલામાં તેમને શુદ્ધ,
આરોગ્યપ્રદ અને સુરક્ષિત આહાર મેળવવાનો અધિકાર છે. જિલ્લામાં આવેલી વિવિધ હોટલો, રેસ્ટોરન્ટો,
ક્લબ અને કેન્ટીનોમાં પીરસાતા ખોરાકની ગુણવત્તા જાળવવા, ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવા તથા
અસામાજિક પ્રવૃત્તિઓ અથવા ગુનાઓ નિવારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો સમયની
આવશ્યકતા બની છે. જેથી ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ડૉ. મનીષ કુમાર બંસલે તેમને મળેલ સત્તાની
રૂએ સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં નિયત કરાયેલાં સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવા તથા
CCTV કેમેરા સિસ્ટમ સંબંધિત કેટલીક સૂચનાઓનો ફરજિયાતપણે અમલ કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
છે.
(૧) નીચે મુજબના સ્થળોના કિચન (રસોડા) અને ફૂડ સ્ટોરેજ ભાગમાં CCTV કેમેરાનું ઇન્સ્ટોલેશન
ફરજિયાત કરવાનું રહેશે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (લાઇસન્સિંગ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ ફૂડ બિઝનેસ) રેગ્યુલેશન, ૨૦૧૧ હેઠળ
આવરી લેવામાં આવેલ ફૂડ સર્વિસીસ, જ્યાં કિચન અને ડાઇનિંગ એરિયા અલગ-અલગ હોય અને કિચન
સરળતાથી જોઈ શકાય તેમ ન હોય તેવી તમામ જગ્યાઓ જેવી કે:
- તમામ નાની-મોટી હોટેલો, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ક્લબ અને કેન્ટીન.
- તમામ ડાઇનિંગ હોલ, કેફે, ફાસ્ટ ફૂડ આઉટલેટ્સ અને ક્લાઉડ કિચન.
- ખાનગી, સરકારી તથા વ્યાપારી ક્લબો.
(૨) દરેક જગ્યાએ કિચનની અંદર CCTV કેમેરા ગ્રાહક હિતને નુકસાન ન થાય તે રીતે નીચેના મુખ્ય
વિસ્તારો કવર કરે તે મુજબ લગાવવાના રહેશે.
રો-મટિરિયલ અને સ્ટોરેજ એરિયા: જ્યાં અનાજ, શાકભાજી કે માંસાહારી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ થાય છે,
જેથી ગ્રાહકોને વાસી કે દૂષિત ખોરાક પીરસતા અટકાવી શકાય.
મેઇન કુકિંગ પ્લેટફોર્મ: જ્યાં ખોરાક બનાવવામાં આવે છે, જેથી કર્મચારીઓની શુદ્ધતા અને હાઇજીન ગ્રાહકો
તથા ઓથોરિટી જોઈ શકે.
એન્ટ્રી, એક્ઝિટ અને વેસ્ટ ડિસ્પોઝલ: રસોડાના પ્રવેશદ્વાર તેમજ કચરાના નિકાલ અને વાસણ ધોવાના
એરિયા પર CCTV કેમેરા લગાવવાના રહેશે, જેથી કોઈ બ્લાઇન્ડ સ્પોટ ન રહે અને રસોડામાં કોઈ અનધિકૃત
વ્યક્તિ ગ્રાહકોના ખોરાક સાથે છેડછાડ ન કરી શકે.
(૩) CCTV કેમેરાનું ફૂટેજ ઉચ્ચ ગુણવત્તા (High Resolution) અને કલર રિઝોલ્યુશન ધરાવતું હોવું જોઈએ.
(૪) ગ્રાહક સુરક્ષા ફોરમ, ફૂડ સેફ્ટી ઓડિટ અને કાનૂની તપાસના હેતુસર તમામ કિચન એરિયાના તમામ
CCTVનું બેકઅપ ૧૫ દિવસ સુધી સંગ્રહિત રાખવું ફરજિયાત રહેશે.
(૫) વહીવટી તંત્ર, ગ્રાહક સુરક્ષા અધિકારી, ફૂડ સેફ્ટી ઓફિસર્સ (FSO) અથવા પોલીસ સત્તાવાળાઓ દ્વારા
ગ્રાહકની ફરિયાદ અન્વયે જ્યારે પણ તપાસ અર્થે માંગવામાં આવે ત્યારે આ ફૂટેજ તાત્કાલિક ઉપલબ્ધ
કરાવવાના રહેશે.
(૬) ગ્રાહકોની ફરિયાદ દબાવવા માટે ફૂટેજમાં કોઈપણ પ્રકારની છેડછાડ, એડિટિંગ કે તેનો નાશ કરવો એ
કાયદેસર શિક્ષાપાત્ર ગુનો ગણાશે.
(૭) “ઓપન કિચન” પ્રોત્સાહન (લાઇવ ડિસ્પ્લે): ગ્રાહકોમાં સંપૂર્ણ વિશ્વાસ અને પારદર્શિતા વધારવા માટે
કિચનના આ લાઇવ CCTV ફીડને હોટેલ/રેસ્ટોરન્ટના ડાઇનિંગ હોલ અથવા વેઇટિંગ એરિયાની મોટી ડિસ્પ્લે
સ્ક્રીન (TV) પર ગ્રાહકો પ્રત્યક્ષ જોઈ શકે તે રીતે પ્રદર્શિત કરવા સંચાલકોએ વ્યવસ્થા કરવાની રહેશે.
(૮) ગ્રાહકોને જાણ થાય તે માટે હોટેલ/રેસ્ટોરન્ટના પ્રવેશદ્વાર અને બિલિંગ કાઉન્ટર પર “આ સંસ્થા
ગ્રાહકોના હિત અને સ્વાસ્થ્ય માટે કિચન CCTV મોનિટરિંગ હેઠળ છે” તેવું બોર્ડ ફરજિયાત લગાવવાનું રહેશે.
(૯) રસોડાના વાતાવરણમાં વરાળ કે તેલ હોવાથી ગ્રાહકોને સ્પષ્ટ દૃશ્યો દેખાય તે માટે કેમેરાના લેન્સ
નિયમિત સાફ કરવા જરૂરી છે. કેમેરાનું ફાઉન્ડેશન મજબૂત હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
(૧૦) રાત્રિના સમયે અથવા અંધારામાં પણ સ્ટોર રૂમની સુરક્ષા માટે નાઇટ વિઝન કેમેરાનો ઉપયોગ
ઇચ્છનીય છે.
(૧૧) CCTV કેમેરાનું ફૂટેજ ચોક્કસ તારીખ અને સમય અંગેનું સ્ટેમ્પિંગ (Date & Time Stamp) દર્શાવતું હોવું
જોઈએ.
(૧૨) ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV પ્રોપર એંગલ અને ઊંચાઈ પર લગાવવામાં આવે, જેથી કિચનનો
વધુમાં વધુ ભાગ સ્પષ્ટ દેખાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.
આ જાહેરનામું સમગ્ર ભાવનગર જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ શહેરો/ગામોમાં આવેલા હોટલ, રેસ્ટોરન્ટ,
ક્લબ અને કેન્ટીન તથા ગ્રાહકો માટે ફૂડ બનાવતી અન્ય આવી દરેક જગ્યાઓને લાગુ પડશે.
આ જાહેરનામું લાગુ થયાથી દિન-૩૦ સુધીમાં જાહેરનામામાં દર્શાવેલ દરેક જગ્યાએ CCTV કેમેરા લગાવવા
ફરજિયાત રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧, ૧૩૧(કક) મુજબ
શિક્ષાને પાત્ર થશે.
જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામલતદારશ્રી,
પુરવઠા ઇન્સ્પેક્ટરશ્રી, ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રી, ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી/ફૂડ સેફ્ટી ઓફિસર્સ (FSO), ફૂડ
સેફ્ટી વિભાગ, મહાનગરપાલિકા, ભાવનગર, ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી/ફૂડ સેફ્ટી ઓફિસર્સ (FSO), ખોરાક અને
ઔષધ નિયમન તંત્ર, ભાવનગર વર્તુળ, ભાવનગર તથા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.














Recent Comments