વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે અમરેલી સ્થિત પવિત્ર કામનાથ મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આશીર્વાદના દીવા’ શીર્ષક હેઠળ યોજાનારા આ વિશેષ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, હોદ્દેદાર શ્રી અતુલભાઈ કાનાણી સહિતના પદાધિકારીશ્રીઓ સહભાગી બનશે.
આ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવશે. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવશે, જે સમગ્ર પરિસરમાં ભક્તિનો પવિત્ર પ્રકાશ ફેલાવશે. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું વિશેષ સુશોભન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવશે.
આ જિલ્લાકક્ષાના કાર્યક્રમ નિમિત્તે માત્ર મંદિર જ નહીં, પરંતુ શહેર રોશનીથી ઝળહળી ઉઠશે. શહેરના મહત્વના સર્કલો અને મુખ્ય માર્ગો જેવા કે સેન્ટર પોઈન્ટ, નાગનાથ ચોક, એસ.ટી. બસ સ્ટેશન તેમજ શિવાજી સર્કલ સહિતના મહત્વના સ્થળોએ આકર્ષક અને રંગબેરંગી લાઈટોની રોશની કરવામાં આવશે. આ ભવ્ય લાઈટિંગના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો અદભુત ભક્તિમય માહોલ સર્જાશે.
આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ સાથે જ ભગવાન કામનાથ મહાદેવની સન્મુખ ભક્તિભાવપૂર્વક એક વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા વાઇઝ તાલુકાકક્ષાના ‘આશીર્વાદ દીવા’ના કાર્યક્રમો પણ યોજાશે જેમાં સથાનિક ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રી અને હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેશે. વિગતો મુજબ અમરેલી તાલુકાનો કાર્યક્રમ સૌના શિવ, દેવભૂમિ દેવળિયા, બાબરા તાલુકાનો કાર્યક્રમ તાપડીયા આશ્રમ, લીલીયા તાલુકાનો કાર્યક્રમ રામજી મંદિર-આંબા, બગસરા તાલુકાનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર-બગસરા, લાઠી તાલુકાનો કાર્યક્રમ દુ:ખ ભંજન મહાદેવ મંદિર-લાઠી, ખાંભા તાલુકાનો કાર્યક્રમ માનકેશ્વર મંદિર, રાજુલા તાલુકાનો કાર્યક્રમ ભંડારીયા દાદા-ભાક્ષી, સાવરકુંડલા તાલુકાનો કાર્યક્રમ શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ગ્રાઉન્ડ-સાવરકુંડલા, જાફરાબાદ તાલુકાનો કાર્યક્રમ રામજી મંદિર-રોહિસા, ધારી તાલુકાનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંકાવાવ તાલુકાનો કાર્યક્રમ શિવ મંદિર (શારદા શોપિંગ) ખાતે યોજાશે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે.
જિલ્લાકક્ષા તેમજ તાલુકા કક્ષાના આશિર્વાદ દીવા કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો પણ સહભાગી બનશે.














Recent Comments