ભાવનગર ખાતે પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના
જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે
જણાવ્યું હતું કે તા. ૧૭ સપ્ટેમ્બર- ૨૦૨૬ના રોજ વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ
સેવાકીય અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં રાજ્યભરમાં ૮૦
લાખથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવશે.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે
ઉજવવાના ભાગરૂપે રાજ્યના વિવિધ સ્થળોએ જનભાગીદારીથી કાર્યક્રમો યોજાશે. મંદિરો, તળાવો, નદીઓના કિનારા,
મુખ્ય બજારો, ટાઉન હોલ, ગાર્ડન, એ.પી.એમ.સી. તથા અન્ય આઇકોનિક સ્થળોએ દીવડા પ્રગટાવી વડાપ્રધાનશ્રીના
દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓમાં શહેર કક્ષાના ૧૭ મુખ્ય કાર્યક્રમો ઉપરાંત અન્ય ૧૭
કાર્યક્રમો યોજાશે. મહાનગરપાલિકાના ૨૮૭ વોર્ડમાં આશરે ૧૨,૪૮૧ સ્થળોએ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં
આવ્યું છે. તેવી જ રીતે, ૧૫૨ નગરપાલિકાઓમાં શહેર કક્ષાના ૧૫૨ મુખ્ય કાર્યક્રમો ઉપરાંત અન્ય કાર્યક્રમો યોજાશે.
નગરપાલિકા વિસ્તારોમાં આશરે ૫,૭૪૦ સ્થળોએ સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મળીને કુલ ૧૬૯ મુખ્ય
કાર્યક્રમો તેમજ અન્ય કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, સમગ્ર રાજ્યમાં આશરે ૧૮,૫૦૮ સ્થળોએ સ્થાનિક કાર્યક્રમો
યોજાવાના છે. દરેક ગામ તેમજ શહેરોના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં નાગરિકો, લાભાર્થીઓ અને કાર્યકરો
ઉપસ્થિત રહી ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવશે.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય
સરકાર દ્વારા વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના માધ્યમથી નાગરિકોના જીવનમાં સુખાકારી વધારવાના પ્રયાસો
કરવામાં આવી રહ્યા છે. આયુષ્માન ભારત કાર્ડ, આરોગ્ય સેવાઓ, અનાજ વિતરણ, ખેડૂતો માટેની યોજનાઓ તથા
વિવિધ સરકારી સેવાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે સેવા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં
આવ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારનો અભિગમ છે કે કોઈપણ પાત્ર લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે. જે
વિસ્તારોમાં હજુ સુધી નાગરિકોને વિવિધ સેવાઓનો લાભ મળ્યો નથી ત્યાં જરૂરી માર્ગદર્શન અને સહાય પહોંચાડવામાં
આવશે. સેવા સેતુ સહિતની વિવિધ સેવાઓના માધ્યમથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચાડવાનો
સંકલ્પ આ અભિયાનમાં વ્યક્ત કરવામાં આવશે.
રાજ્યના વિવિધ સ્થળોએ માન. મુખ્યમંત્રીશ્રી મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે
તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ સ્થળોએ મહાનુભાવો ઉપસ્થિત
રહેશે.
- અમદાવાદના કાંકરિયા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠનના મહામંત્રીશ્રી અમદાવાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં
ઉપસ્થિત રહેશે. - અંબાજી મંદિર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા સત્તા પક્ષના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય
શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. - સિદ્ધનાથ મહાદેવ, ઓલપાડ, સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે.
- હીરાસર એરપોર્ટ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા ઉપસ્થિત રહેશે.
- ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં આશરે ૫,૦૦૦ લાભાર્થીઓ સાથે
દીવડા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાશે. - ભાવનગરના બોર તળાવ ખાતે શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત
રહેશે. - સુરતના નાવડી ઓવારા ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી સી.આર. પાટીલ તથા મેયરશ્રી ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત રાજ્યના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સંગઠનના આગેવાનો
તથા અન્ય મહાનુભાવો વિવિધ સ્થળોએ યોજાનારા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.
સાંજે ૬ વાગ્યાથી કાર્યક્રમોનો પ્રારંભ
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે ૬ વાગ્યાથી વિવિધ સ્થળોએ
નાગરિકો એકત્રિત થશે. ત્યારબાદ ભજન-સંધ્યા, સત્સંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા અન્ય સેવાકીય કાર્યક્રમો યોજાશે.
મંદિરોમાં આરતીના સમય સાથે સુસંગત રીતે આશરે સાંજે ૭ વાગ્યે ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ મંદિરો અને ઐતિહાસિક સ્થળોને વિશિષ્ટ લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે.
આ કાર્યક્રમ આધ્યાત્મિકતા, ભક્તિભાવ અને જનભાગીદારી સાથે યોજાશે.
વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પ સાથે સૌના સહયોગથી વિકાસયાત્રા
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ભારતને વિશ્વગુરુના
સ્થાને પહોંચાડવા માટે ‘વિકસિત ભારત @ ૨૦૪૭’નો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પની પરિપૂર્તિ માટે કેન્દ્ર
સરકાર તથા રાજ્ય સરકાર વિવિધ ક્ષેત્રોમાં વિકાસલક્ષી કામગીરી કરી રહી છે. રાજ્યનો જીડીપી વધે, વિકાસના
વિવિધ માપદંડોમાં પ્રગતિ થાય અને ગુજરાત દેશના વિકાસમાં વધુ યોગદાન આપે તે માટે સતત પ્રયાસો કરવામાં
આવી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશની પ્રગતિ અને રાજ્યની પ્રગતિ માટે ૧૪૦ કરોડ નાગરિકોનો સહયોગ આવશ્યક છે. જનતાના
આશીર્વાદથી સરકારને સતત સેવા કરવાની તક મળી રહી છે ત્યારે સેવા સંકલ્પ અભિયાન દ્વારા નાગરિકોને વિકાસ
અને જનકલ્યાણની આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે.
સમગ્ર રાજ્યની જનતાને સેવા સંકલ્પ અભિયાનમાં જોડાવા મંત્રીશ્રીની અપીલ
પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યની તથા ભાવનગરની જનતાને તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ
યોજાનારા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં સહભાગી થવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરે પણ એક દીવડો પ્રગટાવી તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે
પ્રાર્થના કરવામાં આવે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સેવા દિવસના પ્રકલ્પરૂપે સમગ્ર માસ દરમિયાન વિવિધ સેવાકીય અને જનકલ્યાણલક્ષી
કાર્યક્રમો યોજાશે. નાગરિકો આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ સેવા, સંકલ્પ અને જનભાગીદારીનો સંદેશ વધુ મજબૂત
બનાવે તેવી અપીલ તેમણે કરી હતી.














Recent Comments