ગુજરાત

‘ઇકોમાર્ક’ લોગોના અનાવરણ અને પર્યાવરણીય ટકાઉપણાના સંકલ્પ સાથે ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬’નું સમાપન

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત વૈશ્વિક સ્તરની ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ ૨૦૨૬’ (WCEF 2026) ની ૧૦મી આવૃત્તિનો સમાપન સમારોહ આજે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળી અને ફિનલેન્ડના પર્યાવરણ મંત્રી સુશ્રી સારી મુલ્તાલા સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ગત રોજ શરૂ થયેલા આ વૈશ્વિક મંથનના અંતે, આજે પર્યાવરણ અનુકૂળ ઉત્પાદનોને વૈશ્વિક પ્રોત્સાહન આપવા માટે ‘ઇકોમાર્ક’ (Eco-mark)ના લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓ સહિતના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં આ આંતરરાષ્ટ્રીય મંચ પરથી ટકાઉ વિકાસ અને ‘સર્ક્યુલર ઇકોનોમી’ માટેની કાર્યયોજનાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું કે, ગુજરાત સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રે અગ્રેસર રાજ્ય બની રહ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ‘વેસ્ટ ટુ એનર્જી પોલિસી-૨૦૨૨’ કચરામાંથી નવીનીકરણીય ઊર્જાના સર્જનનું મજબૂત માળખું ધરાવે છે, જ્યારે ‘ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી-૨૦૨૬’ ઉત્પાદનોના રિપેર, રિ-યુઝ અને રિ-મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપી સંસાધનોના મહત્તમ અને લાંબા સમય સુધી ઉપયોગ પર વિશેષ ભાર મૂકે છે.

આજના સમયમાં પર્યાવરણની સુરક્ષા માત્ર નવી વસ્તુઓના ઉત્પાદનથી નહીં, પરંતુ હયાત સંસાધનોનો મહત્તમ, સમજદારીપૂર્વક અને લાંબા સમય સુધી ઉપયોગ કરીને શક્ય બનશે, આ જ વિચાર સર્ક્યુલર ઇકોનોમીની મૂળ ભાવના છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે મંત્રીશ્રીએ સર્ક્યુલર ઇકોનોમીના સિદ્ધાંતોને નીતિના દસ્તાવેજોમાંથી વાસ્તવિક અમલીકરણ સુધી લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચર્ચાઓ અને વિચારો માત્ર મંચ પૂરતા સીમિત ન રહે, પરંતુ તેમાંથી મજબૂત ભાગીદારી, નવીનતા અને મૂડીરોકાણના નવા અવસર ઊભા થાય, તે દિશામાં સૌએ સાથે મળીને આગળ વધવું જોઈએ.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ‘લીનિયરથી સર્ક્યુલર’, ‘વેસ્ટમાંથી વેલ્થ’ અને ‘વપરાશથી સંરક્ષણ’ તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે. આ વૈશ્વિક પરિવર્તનમાં ગુજરાત પોતાની નીતિ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના બળે ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે સસ્ટેનેબલ વિકાસનું પ્રેરણાદાયી મોડલ બનશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ મહત્વપૂર્ણ વૈશ્વિક સંવાદમાં સહભાગી બનેલા તમામ પ્રતિનિધિઓ, નિષ્ણાતો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને સહભાગીઓનો મંત્રીશ્રીએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

ફિનલેન્ડના પર્યાવરણ અને જળવાયુ મંત્રી સુશ્રી સારી મુલ્તાલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે પોતાના વ્યાપ, ઉદ્યોગસાહસિક ભાવના અને ડિજિટલ નવીનતાઓ દ્વારા વિશ્વ સમક્ષ પુરવાર કરી બતાવ્યું છે કે સર્ક્યુલર ઈકોનોમી માત્ર પર્યાવરણીય ખ્યાલ નથી, પરંતુ આર્થિક અને સામાજિક વિકાસની એક અભૂતપૂર્વ તક છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ ક્ષેત્ર માત્ર ભવિષ્યની સંભાવનાઓનું નથી, પરંતુ વર્તમાનની વાસ્તવિકતાઓનું છે. જેમાં ડેટા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને નાણાકીય રોકાણો નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે સસ્ટેનેબલ પરિવર્તનમાં સર્વસમાવેશી વિકાસ પર ભાર મૂકતા સ્પષ્ટ કર્યું હતું કે, યુવાનો, ઉદ્યોગસાહસિકો અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોના યોગદાનની સ્વીકૃતિ સાથે નવી રોજગારીનું સર્જન થવું અત્યંત જરૂરી છે.

ફિનલેન્ડના બેટરી રિસાઈકલિંગ, સર્ક્યુલર ટેક્સટાઈલ અને સસ્ટેનેબલ ફૂડ પ્રોડક્શન જેવા ક્ષેત્રોના અનુભવો રજૂ કરતાં તેમણે આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ કોર્પોરેશન (IFC) સાથે મળીને ૧૨ મિલિયન યુરોના નવા ફંડની જાહેરાત કરી હતી, જેમાં સર્ક્યુલર ઈકોનોમી મુખ્ય આધારસ્તંભ રહેશે. અંતમાં, ભારત અને ફિનલેન્ડ વચ્ચેની સંયુક્ત ભાગીદારીને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી તમામ વૈશ્વિક પ્રતિનિધિઓને નીતિઓના ઝડપી અમલીકરણ અને સફળ મોડેલને વૈશ્વિક સ્તરે વિસ્તારવા માટે અપીલ કરી હતી.

સમાપન પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારતમાં ઈ-વેસ્ટ, સ્ક્રેપ મેટલ, ‘એન્ડ-ઓફ-લાઈફ વ્હીકલ્સ’ અને સોલાર રિસાઈકલિંગ જેવા ક્ષેત્રોને આવરી લેતી ૧૧ સમર્પિત સર્ક્યુલર ઈકોનોમી નીતિઓ અમલી બનાવવામાં આવી છે. મુખ્ય સચિવશ્રીએ કહ્યુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ઝડપી ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સંવર્ધન વચ્ચે ઉત્કૃષ્ટ સંતુલન જાળવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય માત્ર સિદ્ધાંતો સુધી મર્યાદિત ન રહેતાં, એશિયાના સૌથી મોટા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) નેટવર્ક દ્વારા ઔદ્યોગિક દૂષિત જળને પુનઃવપરાશ યોગ્ય બનાવીને અને ‘ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ’ તરફ ગતિ કરી વ્યવહારિક સ્તરે સર્ક્યુલરિટીનું સુદ્રઢ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

આ પ્રસંગે ‘વસુધૈવ કુટુમ્બકમ’ના ભાવને તેમણે સમગ્ર વિશ્વને એકજૂથ થઈને નક્કર પગલાં ભરવા જણાવ્યું હતું. ગ્રીન ટ્રેડને વેગ આપવા સેકન્ડરી રૉ મટીરિયલ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે એક સમાન પ્રમાણપત્ર પદ્ધતિ ઊભી કરવી, અદ્યતન રિસાઈકલિંગ ટેક્નોલોજી વિકાસશીલ દેશો સુધી સરળતાથી પહોંચાડવી અને EPRના માધ્યમથી ઉત્પાદકો ટકાઉ તથા રિસાઈકલ થઈ શકે તેવી વસ્તુઓ જ બનાવે તે સુનિશ્ચિત કરવા પર સચિવશ્રીએ ખાસ ભાર મૂક્યો હતો.

CPCB ના ચેરમેન ડૉ. અમનદીપ ગર્ગે કહ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય મંચ પર બે દિવસમાં ૬૬ દેશોના ૨,૭૦૦થી વધુ પ્રતિનિધિઓ તથા ૨૬૦ જેટલા વક્તાઓએ સહભાગી બની સર્ક્યુલર ઇકોનોમીના વિવિધ પાસાંઓ પર વિસ્તૃત ચર્ચા-મંથન કર્યું હતું. ૪ પ્લેનરી અને ૧૬ સમાંતર સત્રો ઉપરાંત ૧૨૫ કરતાં વધુ પ્રદર્શકો દ્વારા યોજાયેલા એક્ઝિબિશનમાં નાણાકીય, તકનીકી અને નીતિગત ક્ષેત્રોમાં સર્ક્યુલર ઇકોનોમીના વ્યવહારુ અમલીકરણ અંગે વિચારો અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સર્ક્યુલર ઇકોનોમી તરફનું પરિવર્તન માત્ર એક વિચાર કે વિકલ્પ નથી, પરંતુ ટકાઉ અને પર્યાવરણલક્ષી ભવિષ્ય માટેની અનિવાર્ય જરૂરિયાત છે. આ માટે ઉત્પાદન પ્રક્રિયાની શરૂઆતથી જ, એટલે કે ડિઝાઇનિંગના તબક્કાથી, સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અને પુનઃઉપયોગને કેન્દ્રમાં રાખવો જરૂરી છે.

આ સમાપન સત્ર દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને પ્રતિનિધિઓએ પરિષદના મહત્વના આયામો તથા વૈશ્વિક મંથનને આવરી લેતી ‘WCEF 2026’ ની વિશેષ ‘હાઇલાઇટ ફિલ્મ’ નિહાળી હતી. કાર્યક્રમના અંતે, સિત્રાના ઇન્ટરનેશનલ પ્રોગ્રામ્સના ડાયરેક્ટર શ્રી ક્રિસ્ટો લેહટોનેન દ્વારા આગામી વર્ષના WCEF ના યજમાન દેશ અમેરિકાના ન્યુયોર્ક સિટીને બેટન સોંપીને આ સફળ પરિષદનું સફળ સમાપન કર્યું હતું.

આ વૈશ્વિક ફોરમના સમાપન પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રાવ, GPCB ના અધ્યક્ષ શ્રી આર.બી.બારડ, SITRAના પ્રેસિડેન્ટ શ્રી અટ્ટે જાસ્કેલાઇનેન સહિત કેન્દ્ર અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓ તેમજ દેશ-વિદેશમાંથી આવેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts