ભાવનગર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે મહુવામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વયોવૃદ્ધજનોને રૂ. ૫૯.૩૮ લાખની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી
કરવામાં આવી રહી છે ત્યારે આજે મહુવા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધજનો માટે નિઃશુલ્ક
સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના
રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે મહુવાના ૬૨૩ વયોવૃદ્ધજનોને કુલ રૂ. ૫૯,૩૮,૬૫૦ના ખર્ચે
૩,૪૧૨ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાધન સહાય મળતાં વયોવૃદ્ધજનોના
દૈનિક જીવનમાં સુગમતા વધવાની સાથે તેમના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ
મોદીના જન્મદિવસની ઉજવણીને સેવા સાથે જોડીને જરૂરિયાતમંદ વડીલોના જીવનમાં સુગમતા અને

આત્મનિર્ભરતા લાવવાનો આ પ્રયાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી
ઊંચાઈઓ સર કરી રહ્યો છે ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના
વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ‘જેને કોઈ નથી પૂછતું, તેને મોદી પૂજે છે’ ની
ભાવના સાથે ગરીબ, દિવ્યાંગ અને વયોવૃદ્ધ સહિત દરેક વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્હીલચેર, ટ્રાઇસિકલ, શ્રવણયંત્ર, વોકર, કાખઘોડી, ચોકઠાં તેમજ કમર અને
ઘૂંટણના પટ્ટા જેવા સહાયક સાધનોની કિંમત કરતાં વડીલોના જીવનમાં તેનું મહત્વ અનેકગણું છે. કોઈ
વડીલને ચાલવામાં ટેકો મળે, સાંભળવામાં સરળતા થાય કે રોજિંદા કાર્યો કરવામાં સુગમતા રહે ત્યારે
તેમના જીવનમાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. સહાયક સાધનો માત્ર સાધન નથી પરંતુ વડીલોના
જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીનું માધ્યમ છે તેમ તેમણે જણાવ્યું હતું.
વડીલો સાથેના એક સંવાદનો ઉલ્લેખ કરતાં શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે ઘણી વખત
આર્થિક પરિસ્થિતિને કારણે વડીલો પોતાની જરૂરિયાતના સહાયક સાધનો મેળવી શકતા નથી. શ્રવણયંત્ર
મળ્યા બાદ જ્યારે કોઈ દાદા પોતાના પૌત્ર-પૌત્રીના કાલા-કાલા બોલ સાંભળી શકે અને તેમના ચહેરા પર
સ્મિત છવાઈ જાય ત્યારે મળતા આશીર્વાદ મળતા હોય છે. તેમણે ઉમેર્યું કે ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની
ભારતીય સંસ્કૃતિ આપણને માતા-પિતાને દેવતુલ્ય માની તેમની સેવા અને સન્માન કરવાની પ્રેરણા આપે
છે. જીવનભર પરિવાર, સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપનાર વડીલોની સેવા કરવાનો અવસર
મળવો એ આપણા સૌનું સૌભાગ્ય છે.
કેન્દ્રિય રાજયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી દિવ્યાંગજનો
તથા વયોવૃદ્ધજનો માટે વિવિધ સાધન સહાય કેમ્પો યોજાઈ રહ્યા છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે
દિવ્યાશા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેથી જરૂરિયાતમંદોને સાધન સહાય માટે વારંવાર ધક્કા ન ખાવા પડે
અને જરૂરી એસેસમેન્ટ સહિતની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. દિવ્યાશા કેન્દ્રના કારણે
જરૂરિયાતમંદો માટે સાધન સહાય મેળવવાની પ્રક્રિયા વધુ સુગમ અને સરળ બની છે. આજે વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સહાયક સાધનોના વિતરણ પૂરતો
સીમિત નથી પરંતુ વડીલોના જીવનમાં સુગમતા, આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનો સેવા યજ્ઞ છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની
શુભેચ્છાઓ પાઠવવા સાથે વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો
હતો.
આ કેમ્પમાં ૭૯ વ્હીલચેર, ૫૦૪ ચાલવાની લાકડીઓ, ૬૧૨ શ્રવણયંત્રો, ૯૪ કૃત્રિમ દાંત, ૪૨૯ કમરના
પટ્ટા, ૧,૦૯૦ ઘૂંટણના સપોર્ટ, ૪૦ ખભાના સપોર્ટ, ૯૦ વોકર, ૨૮૦ સીટ કુશન અને ૧૯૪ કોમોડ સ્ટૂલ
સહિત કુલ ૩,૪૧૨ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધન સહાયથી વરિષ્ઠ નાગરિકોના
દૈનિક જીવનમાં સરળતા વધારવા, તેમની ગતિશીલતા અને સુગમતા જાળવવા તથા તેઓ વધુ
આત્મનિર્ભર બની શકે તે દિશામાં સેવાકીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાના વરિષ્ઠ નાગરિકોને રાષ્ટ્રીય વયોશ્રી યોજનાનો વ્યાપક લાભ મળી રહે તે માટે
ALIMCO દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓળખ અને નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી તા. ૩૦ જૂન, ૨૦૨૫થી તા. ૧૬ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન યોજાયેલા
તાલુકાવાર તપાસ અને મૂલ્યાંકન કેમ્પના આધારે જિલ્લામાં કુલ ૮,૦૯૧ વરિષ્ઠ નાગરિકોની ઓળખ
કરવામાં આવી છે.
ઓળખ કરાયેલા લાભાર્થીઓને કુલ ૪૫,૯૬૮ સહાયક સાધનોનું રૂ. ૭,૬૫,૬૯,૦૩૬ના મૂલ્યનું નિઃશુલ્ક
વિતરણ કરવામાં આવનાર છે. જેમાં વ્હીલચેર, ચાલવાની લાકડીઓ, શ્રવણયંત્રો, કૃત્રિમ દાંત, કમર તથા
ઘૂંટણના સપોર્ટ, ખભાના સપોર્ટ, ગળાના પટ્ટા, વોકર, સીટ કુશન, કોમોડ સ્ટૂલ અને ક્રચ સહિતના સાધનોનો
સમાવેશ થાય છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય, ભારત સરકારના સહયોગથી તથા ALIMCO દ્વારા આ
સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મહુવા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલા આ કેમ્પમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા,
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ લાધવા, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ
શ્રીમતી નીતાબેન, મહુવા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિત્તલબેન, પ્રાંત અધિકારી સુશ્રી સુસ્મિતા, જિલ્લા
સમાજ સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ, ALIMCO ગુજરાતના ઇન્ચાર્જ શ્રી મૃદુલ અવસ્થી, પૂર્વ મંત્રી શ્રી
આર.સી. મકવાણા, આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી પ્રકાશભાઈ સહિતના
મહાનુભાવો, જનપ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં લાભાર્થી વયોવૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts