અમરેલી

સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતે વિદેશમાં અભ્યાસ અને રોજગાર અંગે ગાઈડન્સ સેમિનાર યોજાયો

શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે “ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કૅરિયર ગાઈડન્સ સેમિનાર” યોજાયો હતો.

​અમરેલી અને રાજકોટ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં રાજકોટ રોજગાર કચેરીના શ્રી હમીરભાઈ ચૌહાણે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસના વિકલ્પો, નોકરીની તકો, વિઝા, પાસપોર્ટ અને એજ્યુકેશન લોન વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત, વિદેશ મોકલવાના નામે ચાલતા ફ્રોડ અને લેભાગુ સંસ્થાઓથી સાવધ રહેવા અંગે પણ વિશેષ જાણકારી આપી હતી. સાથે જ તેમણે વિદ્યાર્થીઓને સંરક્ષણ દળોમાં જોડાવવા માટે સરકારશ્રીની નિવાસી તાલીમ અને નાણાકીય સહાય યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.

​કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એસ.સી. રવિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એચ.આર. દેસરાણીએ કર્યું હતું. પ્રો. હૈદરખાન પઠાણ, પ્રો. સ્વાતિબેન ટાંક અને પ્રો. કુલદીપ કાનાણી સહિતના અધ્યાપકોએ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનો સહયોગ આપ્યો હતો.

Related Posts