અમરેલી: કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે વિદ્યાર્થીની બહેનોમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ વધારવાના હેતુથી બ્રેસ્ટ કેન્સર અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાંતાબા મેડિકલ કોલેજ, અમરેલીના ડિપાર્ટમેન્ટ ઑફ કોમ્યુનિટી મેડિસિનમાં કાર્યરત ડૉ. સ્નેહલબેન વસૈયા, રેસિડન્ટ ડૉક્ટર, તથા ડૉ. ક્રિષ્ટીબેન બાબરીયા, ઇન્ટર્ન ડૉક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે બંને તબીબોએ વિદ્યાર્થીની બહેનોને સ્તન કેન્સર અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સ્તન કેન્સરના જોખમી પરિબળો, પ્રારંભિક લક્ષણો, સમયસર તપાસનું મહત્વ, સ્વ-તપાસ અંગેની જાણકારી તેમજ આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તબીબોએ કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો સમયસર તબીબી સલાહ લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમનું આયોજન કે. કે. પારેખ કોમર્સ કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. એ. જી. પટેલ અને ડૉ. એ. બી. ગોરવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડબ્લ્યુ. જી. વસાવાએ જરૂરી વ્યવસ્થા અને સંકલનમાં જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીનીઓમાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા વધે અને ગંભીર બીમારીઓની સમયસર ઓળખ તથા સારવાર અંગેની સમજ વિકસે તે હેતુ સિદ્ધ થયો હતો.
આ કાર્યક્રમના સફળ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખશ્રી અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્ન દ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રીશ્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રીશ્રી ચતુરભાઈ ખુંટ અને કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.

















Recent Comments