ગુજરાત

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં NFSU ગાંધીનગર ખાતે ‘ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવા અને એક્સેસ પાસ-LoA ધારકો સાથે સંવાદ’ અંગે નેશનલ વર્કશોપ સંપન્ન

ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવા અને એક્સેસ પાસ-LoA ધારકો સાથે સંવાદ’ અંગેના નેશનલ વર્કશોપનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય સાગરખેડૂતોને ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) અને હાઈ સીઝમાં ઉપલબ્ધ ઉચ્ચ-મૂલ્યના મત્સ્ય સંસાધનોનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો તેમજ માછીમારો સામે રહેલા જમીની પડકારોને સમજીને તેના નીતિગત ઉકેલો શોધવાનો રહ્યો હતો.

-:મુખ્યમંત્રીશ્રી:-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મત્સ્યપાલન અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતે મહત્તમ લાભ લેવાનો છે. આ હેતુસર આયોજિત તાલીમ વર્કશોપનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હી ખાતે વધુ તાલીમ માટે જવાની તમામ વ્યવસ્થા કરવા દિલ્હી સરકાર તૈયાર છે, જ્યારે ગુજરાત સરકાર અહીંથી તાલીમાર્થીઓના પ્રવાસ માટે ટિકિટની વ્યવસ્થા કરવા અંગે વિચાર કરશે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિપુલ દરિયાઈ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સાગરખેડૂતોને હાકલ કરી હતી. કુદરતી આહાર શૃંખલા અને વ્યાવસાયિક ફરજોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ‘ડીપ-સી ફીશિંગ’ માટે જરૂરી તમામ તાલીમ મેળવવી અત્યંત આવશ્યક છે.

વધુમાં, મત્સ્ય ઉદ્યોગના પાયાગત માળખાકીય વિકાસ અંગે ચર્ચા કરતા મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, જો સ્થાનિકો સહકારી ધોરણે સંચાલન કરવા તૈયાર હોય, તો સરકાર તેમને સંપૂર્ણ કોલ્ડ સ્ટોરેજ સુવિધા બનાવી આપવા તેમજ તેના માટે જરૂરી જમીન ફાળવી આપવા માટે પણ કટિબદ્ધ છે. તેમણે આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા સહકારી મંડળીઓ અને અગ્રણીઓને આગળ આવવા આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાનશ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના છેવાડાના માનવી સહિત દરેક વર્ગ અને ક્ષેત્રને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાનો રહ્યો છે. જેથી મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર હોય કે આદિવાસી વિસ્તાર, તમામના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત ૨૩૮૦ કિલોમીટરનો દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. યોગ્ય આયોજન અને સજાગતાથી મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા કેન્દ્ર સરકાર સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

વડાપ્રધાનશ્રીના કાર્યમંત્ર ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ને અનુસરીને જ પ્રગતિ સાધી શકાય છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે ‘વિકસિત ગુજરાત’ બનાવવું અનિવાર્ય છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે સહિયારા પ્રયાસોથી આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે, ગુજરાત એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મત્સ્ય ક્ષેત્રના વિકાસ માટેના સતત પ્રયાસોના પરિણામે દેશમાં મત્સ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. વર્ષ ૨૦૧૩-૧૪માં દેશનું કુલ મત્સ્ય ઉત્પાદન ૯૫.૭ લાખ ટન હતું, જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને ૧૯૭.૭૫ લાખ ટન થયું છે, એટલે કે ૧૦૬ ટકાનો વધારો નોંધાયો છે. ભારતની મત્સ્ય નિકાસ પણ વર્ષ ૨૦૧૩-૧૪ના રૂ. ૩૦,૨૧૩ કરોડથી વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં રૂ. ૬૨,૪૦૮ કરોડ અને વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૭૩,૮૯૦ કરોડના વિક્રમી સ્તરે પહોંચી છે. આ વૃદ્ધિથી ગુજરાત જેવા દરિયાકાંઠાના રાજ્ય માટે વૈશ્વિક બજારમાં પોતાની ક્ષમતા વિસ્તારવાની નવી તકો ઊભી થઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતને ૪ હજારથી વધુ એક્સેસ પાસ આપવામાં આવ્યા છે, જેના માધ્યમથી રાજ્યના માછીમારો ૧૨થી ૨૦૦ નોટિકલ માઈલ સુધીના EEZમાં મત્સ્ય પકડવાની પ્રવૃત્તિ વિસ્તારી શકે છે. હાઇ સી ફિશિંગ માટે જારી કરાયેલા કુલ ૧૪ લેટર ઓફ ઓથોરાઈઝેશનમાંથી ૩ ગુજરાતને મળ્યા છે, જેના પરિણામે ૨૦૦ નોટિકલ માઈલથી આગળ હાઇ-સી માં મત્સ્ય પકડવાની વધુ તકો ઊભી થઈ છે. જેમાં ખાસ કરીને ટ્યૂના જેવી હાઇ વેલ્યૂ ફિશ માટે ગુજરાતમાં વિશાળ સંભાવના છે. આ સંભાવનાને આધુનિક પ્રોસેસિંગ, કોલ્ડ ચેઇન, પેકેજિંગ, વેલ્યુ એડિશન અને બ્રાન્ડિંગ સાથે જોડીને ગુજરાતના મત્સ્ય ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચાડવા વધુ પ્રયાસો જરૂરી છે.

મંત્રી શ્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું કે, મત્સ્ય ક્ષેત્રના માળખાકીય વિકાસ માટે ભારત સરકાર દ્વારા Fisheries Infrastructure Development Fund (FIDF) હેઠળ રાહતદરે નાણાકીય સહાય તથા ૩ ટકા વ્યાજ સબવેન્શન આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, સહકારી મંડળીઓ માટે High-Seas Fishingના Letter of Authorizationની ફી રૂ. ૨૫ હજારથી ઘટાડીને રૂ. ૫ હજાર કરવામાં આવી છે. ગુજરાતની વિશાળ દરિયાઈ સીમા અને માછીમારોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને Deep-Sea અને High-Seas Fishingને પ્રોત્સાહન આપવાની સાથે આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવી જરૂરી છે. માછીમારોને આધુનિક મત્સ્ય પકડવાની પદ્ધતિઓ, ટ્યૂના જેવી ઉચ્ચ મૂલ્યની માછલીઓનું સંચાલન અને પ્રોસેસિંગ, કોલ્ડ ચેઇન, પેકેજિંગ તથા વેલ્યુ એડિશન અંગે તાલીમ આપવાથી તેમની આવક વધારવાની નવી તકો ઊભી થઈ શકે છે. આ તાલીમ માટે કેન્દ્ર સરકાર રહેવા- જમવા જેવી સુવિધાઓ વિનામૂલ્યે આપવા તૈયાર છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ મત્સ્ય વિભાગને કૃષિ વિભાગથી અલગ કરીને તેને એક આગવી ઓળખ આપી, ત્યારે મત્સ્ય ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ આવી છે. જેમ હરિત ક્રાંતિએ કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ કર્યું અને શ્વેત ક્રાંતિએ દૂધ સહકારી મંડળીઓ તથા પશુપાલનને મજબૂત બનાવ્યું, તેમ હવે Blue Revolution દેશના માછીમારો માટે નવી તકો ઊભી કરી રહી છે. આ ક્રાંતિ અગાઉ જ આવવી જોઈતી હતી, પરંતુ હવે Blue Revolution આપણા માછીમાર પરિવારોના જીવનમાં સમૃદ્ધિ લાવશે. વડાપ્રધાનશ્રીએ ‘બ્લુ ઇકોનોમી’ની સંકલ્પના દ્વારા દેશને અર્થતંત્રનો એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે.

વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આઝાદી પછી મત્સ્ય ક્ષેત્ર માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ. ૨૦,૫૦૦ કરોડનું બજેટ આપવામાં આવ્યું છે. તેના પરિણામે દેશભરમાં મત્સ્ય ક્ષેત્રના વિકાસને મોટો વેગ મળ્યો છે. હાલમાં મત્સ્ય ઉત્પાદન વધીને ૧૯૭.૭૫ લાખ ટન થયું છે. તેવી જ રીતે, ઉત્પાદકતા પણ પ્રતિ હેક્ટર ૩ ટનથી વધીને ૪.૭૭ ટન થઈ છે. જેના પરિણામે આપણા માછીમારો માટે નવી તકો ઊભી થઈ છે અને તેમની સમૃદ્ધિનો માર્ગ વધુ મજબૂત બન્યો છે.

કેન્દ્ર સરકારના મત્સ્યોદ્યોગ સચિવ ડૉ. અભિલક્ષ લીખીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આજે આયોજિત પાંચ ટેકનિકલ સત્રોમાં થયેલા વિચાર-વિમર્શથી માછીમારોની ક્ષમતા નિર્માણ અને તાલીમને વધુ સુદૃઢ કરવામાં આવશે, જેથી તેઓ ૬૦-૭૦ નોટિકલ માઈલથી આગળ વધીને EEZના ૨૦૦ નોટિકલ માઈલ વિસ્તાર તેમજ હાઈ-સી સુધી પહોંચી શકે. તેમણે નાબાર્ડ, વાણિજ્યિક બેંકો અને સરકારી યોજનાઓ મારફતે નાણાકીય સહાય વધુ સુદૃઢ કરવા તેમજ સહકારી સંસ્થાઓ, FFPOs અને મહિલા સ્વસહાય જૂથોને આર્થિક તથા તાલીમી સહયોગથી સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો. આજના મંથનમાંથી પ્રાપ્ત સૂચનોને નીતિગત માળખામાં સમાવી તેના અસરકારક અમલીકરણ માટે જરૂરી કામગીરી કરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમના અંતે રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઊંડા સમુદ્રમાં મત્સ્યોદ્યોગના વિકાસ અને વ્યાપક સંભાવનાઓ વિશે ઉપસ્થિત સર્વે સમક્ષ એક પ્રેરણાદાયી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો દ્વારા એક્સેસ પાસ અને LoA ધારકો સાથે સીધો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો, જેમાં સાગરખેડૂતોએ પોતાના અનુભવો, જરૂરિયાતો અને સૂચનો ઉત્સાહપૂર્વક રજૂ કર્યા હતા.

આ નેશનલ વર્કશોપમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી આવેલા માછીમારો, અગ્રણી સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ અને મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts