ઇનોવેશન, ઇન્ટીગ્રેશન અને ઇન્ટરવેશન થકી માર્ગ સલામતીને વધુ સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે, તેમ ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’માં વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ જણાવ્યું હતું. વાહનમાં મુસાફરી કરતાં મુસાફરોની આંતરિક સુરક્ષા માટે AIRBAG, ABS અને EBD જેવી સિસ્ટમ્સ અનિવાર્ય બનાવવામાં આવી છે. જ્યારે હવે વાહનની બહાર રહેલા પદયાત્રીઓ અને અન્ય નાના વાહનચાલકોની બાહ્ય સુરક્ષા માટે પણ વિશેષ નીતિઓ અને ટેક્નોલોજીકલ સુધારા અપનાવવામાં આવે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ-SIAM, સોસાયટી ફોર ઓટોમોટિવ ફિટનેસ એન્ડ એન્વાયરમેન્ટ–SAFE, વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે આજે ‘27th SAFE એન્યુઅલ કન્વેન્શન-સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેની થીમ “સુરક્ષિત સફર: સુરક્ષા અને જવાબદારી તરફ એક સહિયારી યાત્રા” રાખવામાં આવી હતી.
વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ કહ્યું હતું કે, માર્ગ અકસ્માતો અટકાવવા માટે માત્ર કાયદા અને ટેક્નોલોજી જ પૂરતા નથી, પરંતુ સમાજમાં ‘સિવિક સેન્સ’ અને પરસ્પર આદરનો અભિગમ કેળવવો અત્યંત જરૂરી છે. તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે, મોટા વાહન ચાલકો નાના વાહનો તેમજ પદયાત્રીઓ પ્રત્યે સંવેદનશીલતા અને માન આપવાની ભાવના કેળવે તેવો સામાજિક બદલાવ લાવવો આવશ્યક છે. આ માટે તેમણે ઓટોમોબાઇલ ઉત્પાદકોને સમાજના પ્રભાવશાળી વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવાની હિમાયત કરી હતી, જેથી નાગરિકોમાં ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે ગૌરવની વધુ ભાવના ઉજાગર કરી શકાય.
મંત્રીશ્રીએ માળખાકીય સુધારા અન્વયે ADAS સિસ્ટમ માટે યોગ્ય થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, ડેશકેમ પોલિસી અને અકસ્માત સંભવિત ‘બ્લેક સ્પોટ્સ’ દૂર કરવા માટે સ્પષ્ટ નીતિઓના મહત્વ પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ૧૦૦ ટકા AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક, ‘વિશ્વાસ’ તેમજ ‘નેત્ર’ પ્રોજેક્ટ અંતર્ગત ઈ-ચલણ ફેસલેસ અમલીકરણની ઉત્કૃષ્ટ કામગીરીને મંત્રીશ્રી માળીએ બિરદાવી હતી.
આ કાર્યક્રમ દરમિયાન વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીના હસ્તે SIAM ના “Context Paper – Analyzing India’s Imperatives for Road Safety” નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માર્ગ સલામતી ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન આપનાર રાજ્યના ‘રોડ સેફ્ટી વારિયર્સ’ને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ, માર્ગ સુરક્ષાની દિશામાં વધુ એક કદમ વધારતા HMSI અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ‘અમદાવાદ રોડ સેફ્ટી પ્રોજેક્ટ’ તેમજ NID અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ‘ગાંધીનગર રોડ સેફ્ટી અવેરનેસ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત, મંત્રીશ્રીએ ‘સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ઉદ્ઘાટન કર્યું હતું અને પ્રદર્શનની મુલાકાત લઈને તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર શ્રી સતિષ પટેલે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિવર્ષ ૧.૮૦ લાખ અને ગુજરાતમાં ૮ હજારથી વધુ નાગરિકો માર્ગ અકસ્માતમાં પોતાનો કિંમતી જીવ ગુમાવે છે, જે આપણા સૌ માટે એક અતિ ગંભીર પડકાર છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અધિકારીઓ, નિષ્ણાતો, સ્ટેકહોલ્ડર્સ જ્યારે એકસાથે મળીને પ્રયાસો કરશે, ત્યારે જ આ મોટા પડકાર સામે લડીને માનવ જિંદગી બચાવવાની આપણી સામૂહિક જવાબદારી સાર્થક થશે.
માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી પી. આર. પટેલિયાએ માર્ગ સલામતીને અત્યંત સંવેદનશીલ વિષય ગણાવતા જણાવ્યું કે, રસ્તા સુરક્ષિત બનાવવા માત્ર એન્જિનિયરિંગ પૂરતું નથી, પરંતુ નાગરિકોમાં જવાબદારીની ભાવના અને મનોવૈજ્ઞાનિક જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. રાજ્યના ૧.૩૫ લાખ કિમીના રોડ નેટવર્ક પર ટ્રાફિકની સાતથી આઠ વિવિધ વાહન શ્રેણીઓ અને પશુઓની અવરજવર જેવા પડકારો હોવાથી ૧૦૦ ટકા સલામતી માટે નવતર સોલ્યુશન્સ ખૂબ જરૂરી છે.
પોલીસ અધિક્ષક શ્રી સાહિત્યા વી. એ જણાવ્યું હતું કે, આપણી વર્તણૂકમાં પરિવર્તન માત્ર કાયદાના અમલ કે દંડાત્મક કાર્યવાહીથી નહીં, પરંતુ મનોવિજ્ઞાન, ફિલોસોફી અને ટેકનોલોજીના સંકલનથી લાવી શકાય છે. રોડ સેફ્ટીને નૈતિક અને માનવીય દૃષ્ટિકોણથી જોઈને ડ્રાઇવરની સાથે રસ્તા પરના દરેક વ્યક્તિની સુરક્ષાને કેન્દ્રમાં રાખવી જરૂરી છે. આ માટે ‘Life-Centric Road Intelligence’નો અભિગમ અપનાવીને ટ્રકમાં ચારેય બાજુ સેન્સર્સથી બ્લાઇન્ડ સ્પોટ ઓળખવા, રાત્રે થર્મલ કેમેરા વડે ૧૦૦ મીટર સુધીના રાહદારીઓ કે પ્રાણીઓની જાણકારી મેળવવી અને ટુ-વ્હીલરમાં પાછળથી આવતા વાહનોની ઝડપ અંગે ચેતવણી આપવી જેવા ટેકનોલોજીકલ ઉપાયો યોજી શકાય છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે SIAMના એક્ઝક્યુટીવ ડાયરેક્ટર શ્રી અતનુ ગાંગુલી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. SAFEના અધ્યક્ષ તથા મારુતુ સુઝુકીના એક્ઝક્યુટીવ ઓફિસર શ્રી અલોક જેટલીએ કાર્યક્રમની પૃષ્ઠભૂમિ અને સંદર્ભ રજૂ કર્યો હતો. SAFEના વાઇસ પ્રેસીડન્ટ શ્રી વિનય ઢીંગરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા વિવિધ સત્રોમાં ડેટા આધારિત અમલવારી, જવાબદારી, ટેક્નોલોજી, સલામત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ મોબિલિટી જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માર્ગ સલામતી સાથે સંકળાયેલા સરકારી વિભાગો, ઓટોમોબાઇલ ઉદ્યોગ, નિષ્ણાતો, સંશોધકો તથા વિવિધ ક્ષેત્રના હિતધારકોએ ભાગ લીધો હતો.

















Recent Comments