ગુજરાત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક HPV રસીકરણ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા

દરેક ઘરની દીકરી એ ફક્ત એક પરિવારનું નહીં, પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય હોય છે. આ દીકરી નિરોગી રહે અને સુરક્ષિત રહે એ આપણી સૌની સામાજિક અને નૈતિક જવાબદારી છે.
મહિલાઓમાં જોવા મળતા ગર્ભાશયના મુખના કેન્સર -સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી આપણી દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનની ભેટ આપી છે,જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં અત્યંત નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી છે તેમ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રીએ આનંદ સાથે વધુ વિગતો આપતાં કહ્યું કે, તા.૧૬ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં રાજ્યની ૬.૨૫ લાખથી પણ વધુ દીકરીઓને આ સુરક્ષાકવચ અપાયું છે. HPV રસીકરણ અભીયાનના ૩ મહિનામાં જ પાત્રતા ધરાવતી કિશોરીઓને HPVની રસી આપીને પ્રથમ કામગીરી સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સૌથી મોટી અને ગર્વ લેવા જેવી બાબત એ છે કે આટલા મોટા પાયે રસીકરણ છતાં આડઅસરનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. આ સાબિત કરે છે કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને અસરકારક છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની આ સરાહનીય કામગીરીને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે HPV રસીના ૨.૭૨ લાખથી વધુ ડોઝ તા.૭ સપ્ટેમ્બરના રોજ ફાળવવામાં આવ્યા છે.
આપણા વડાપ્રધાનશ્રીના જન્મ દિવસના શુભ અવસરે ગુજરાત સરકારે HPV રસીકરણ ડ્રાઈવનો ફરીથી શુભારંભ કર્યો છે. જેના પરિણામે વડાપ્રધાનશ્રીના જન્મ દિવસે એક જ દિવસમાં રાજ્યની ૭૧,૮૯૪ દીકરીઓનું એચપીવી વેકસીનથી ઐતિહાસિક રસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬થી શરુ કરેલ આ HPV રસીકરણ અભિયાનમાં ૧.૪૬ લાખ કિશોરીઓ કે જેમના ૧૪ વર્ષ તા. ૧૭ સપ્ટેમ્બરે પૂર્ણ થયા છે તે કિશોરીઓને આગામી તા‌. ૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં રસી આપવાનો રાજ્ય સરકારે મક્કમ લક્ષ્યાંક નક્કી કર્યો છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે,સરકાર અને આરોગ્ય તંત્ર પોતાનું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરી રહ્યું છે, ત્યારે આ અભિયાનની ખરી સફળતા વાલીઓના હાથમાં છે. જો તમારી ૧૪ વર્ષની દીકરીનું રસીકરણ હજુ સુધી નથી થયું, તો વિલંબ કર્યા વગર આ ચાલી રહેલી મેગા ડ્રાઇવ દરમિયાન આજે જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
આ રસી રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલો (MCH), જિલ્લા અને સબ-ડિસ્ટ્રિકટ હોસ્પિટલો (DH/SDH), તેમજ તમામ CHC અને PHC સેન્ટર પર ૧૪ વર્ષની તમામ કિશોરીઓ માટે સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે શરૂ થયેલા આ આરોગ્યલક્ષી પવિત્ર મહાયજ્ઞમાં જોડાઈને આપણી દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્યની ભેટ આપવા મંત્રી પાનશેરિયાએ રાજ્યભરના સૌ વાલીઓને અનુરોધ કર્યો હતો.

Related Posts