અમરેલી

સાવરકુંડલાના વેલનાથપરામાં તૂટેલા રોડ મુદ્દે નગરપાલિકા ઘેરાઈ: ૮ મહિનાથી રસ્તો બિસ્માર રહેતા નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાના તીખા પ્રહારો

સાવરકુંડલા નગરપાલિકાના પારદર્શક વહીવટના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર ૬ના વેલનાથપરા વિસ્તારમાં લોકપ્રશ્ન વિકટ બન્યો છે. છેલ્લા ૮ મહિનાથી ડી.આઈ. પાઈપલાઈન નાખવા માટે તોડવામાં આવેલો સી.સી. રોડ હજુ સુધી યોગ્ય રીતે રીપેર ન થતાં સ્થાનિક રહીશો, વૃદ્ધો અને બાળકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મુદ્દે વોર્ડ નં. ૬ના નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર સામે ગંભીર સવાલો ઉઠાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે.

​સી.સી. રોડના બદલે મોરમ પાથરીને વેઠ ઉતારી?

કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતાના જણાવ્યા મુજબ, પાઈપલાઈન કામગીરી માટે રોડ તોડ્યા બાદ ટેન્ડરની શરતો અનુસાર એજન્સી દ્વારા ત્યાં ૪ ઈંચનું સી.સી. કામ કરવાનું હોય છે. જોકે, ૮-૮ મહિના વીતી ગયા છતાં એજન્સી પાસે આ કામ કરાવવાને બદલે નગરપાલિકાએ માત્ર મોરમ નાખીને કામ પતાવી દીધું હોવાનો આક્ષેપ કરાયો છે. આ પરિસ્થિતિને કારણે ધૂળ-માટી અને ખાડાવાળા રસ્તા પરથી પસાર થતી વખતે અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે.

​મુખ્ય સવાલો અને રજૂઆતના મુખ્ય મુદ્દાઓ:

​વિલંબનું કારણ શું?: ૮ મહિનાથી રોડ તોડીને રાખવામાં આવ્યો છે, તો ટેન્ડરની શરત મુજબ ૪ ઈંચનું સી.સી. કામ ક્યારે પૂરું કરવામાં આવશે?

 શું આ તૂટેલા રોડનું બિલ બની ગયું છે અને નાણાં ઉપાડી લેવાયા છે? જો બિલ ન બન્યું હોય તો એજન્સી સામે કડક કાર્યવાહી કરીને કામ પૂરું કરાવવામાં કેમ નથી આવતું? ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરવા છતાં એજન્સી પાસે નિયમ મુજબ કામ કરાવવાના બદલે માત્ર મોરમ કેમ નાખવામાં આવી?

પ્રજાના પરસેવાના નાણાં અને વેરાના રૂપિયાનો સદુપયોગ થાય તે માટે કોર્પોરેટરશ્રીએ માગ કરી છે કે આ સમગ્ર કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે તેમજ ટેન્ડર અને બિલની નકલો જાહેર કરવામાં આવે. સાથે જ, આગામી ૭ દિવસની અંદર એજન્સી દ્વારા ૪ ઈંચનો સી.સી. માલ નાખીને રસ્તાનું યોગ્ય રીપેરીંગ કરવામાં આવે, નહીંતર આગામી સમયમાં રહીશોના હિતમાં ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી આપી છે.

Related Posts