સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર ૮ના જાગૃત અને સક્રિય સદસ્યા શ્રીમતી મેઘાબેન હેમાંગભાઈ ગઢિયાની લોકપ્રશ્નો પ્રત્યેની સતર્કતા અને ધારદાર રજૂઆતના પરિણામે સ્થાનિક તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. વોર્ડના રસ્તાઓ અને પેચવર્ક અંગે કરવામાં આવેલી રજૂઆતના ગણતરીના ૨૪ કલાકની અંદર જ GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા સમારકામ અને પેચવર્કની કામગીરી પૂર્ણ જોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
વોર્ડ નંબર ૮ માં બિસ્માર રસ્તાઓને કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યાને ગંભીરતાથી લઈને કાઉન્સિલર મેઘાબેન ગઢિયાએ સંબંધિત અધિકારીઓ અને GUDCના તંત્ર સમક્ષ કડક અને ભારપૂર્વક રજૂઆત કરી હતી. તેમની આ સમયસરની અને અસરકારક રજૂઆતના પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ૨૪ કલાકના ટૂંકા ગાળામાં જ કામગીરી હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પેચવર્કનું કામ શરૂ કરી દેવાતાં વોર્ડ નં. ૮ ના રહીશોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપીને તેનો ઝડપી ઉકેલ લાવવા બદલ સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા મહિલા સદસ્ય શ્રીમતી મેઘાબેન હેમાંગભાઈ ગઢિયાની કામગીરીને બિરદાવીને તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે.


















Recent Comments