અમરેલી

સાવરકુંડલામાં હનુમાનજીના ‘દૂત’નું આગમન: બુદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શન કરી કપિરાજે શહેરની લટાર મારી

સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરના આશરે ચાર વાગ્યાના સુમારે એક કૌતુકપૂર્ણ અને શ્રદ્ધાસભર દ્રશ્ય જોવા મળ્યું હતું. શહેરની શિવ શક્તિ સોસાયટીમાં આવેલ પ્રખ્યાત બુદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે એક કપિરાજ અચાનક આવી પહોંચ્યા હતા.

​મંદિર પરિસરમાં પ્રવેશ્યા બાદ કપિરાજે અંદાજે અડધો કલાક સુધી હનુમાનજીના દર્શન કર્યા હતા, જેને જોઈને ત્યાં ઉપસ્થિત પત્રકાર પાંધીસર અને તેની પૌત્રી ધાર્વિબેન  આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દર્શન કર્યા બાદ મંદિરની બાજુની દીવાલ પાસે આવેલી વનસ્પતિના પાંદડા અને આંકડાના ફૂલનો આહાર કર્યો હતો. તેમની હિલચાલ પરથી તેઓ ખૂબ જ ભૂખ્યા હોય તેમ લાગતું હતું.

​ત્યાંથી આગળ વધીને કપિરાજ સંસ્કાર મંદિર શાળાના પ્રાંગણમાંથી પસાર થઈને નાગનાથ સોસાયટી નજીક આવેલ પટેલ કન્યા છાત્રાલયની દીવાલ પર જઈને બેઠા હતા. આ વાતની જાણ થતાં જ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. કપિરાજને ભૂખ્યા જોઈને સ્થાનિક લોકોએ પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક કેળાં, વિવિધ ફળો તેમજ ચૂરમાના લાડુ ખવડાવીને તેમને તૃપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો.

​સમગ્ર શહેરમાં કૌતુક સર્જ્યા બાદ અને જાણે ‘સબ સલામત હૈ’ની ખાતરી કરીને કપિરાજે આગળ પ્રયાણ કર્યું હતું. આ અદભુત ક્ષણ અને કપિરાજની તમામ હિલચાલ કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના વિડિયો અને તસવીરો હાલ દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Related Posts