ગુજરાત

કામરેજ તાલુકાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની મોટી ભેટ: કામરેજમાં ૪,૦૦૦ ચો.મી. જમીન પર નિર્માણ પામશે અદ્યતન હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળા

*રાજ્ય સરકારે શાળા માટે રૂ.૬ કરોડ મંજૂર કર્યા*
——
*મધ્યમવર્ગીય પરિવારોના દીકરા-દીકરીઓને ધોરણ-૧૨ સુધી મળશે નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ*
——-
*આરોગ્ય રાજ્યમંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિક પદાધિકારીઓ સાથે પ્રસ્તાવિત શાળાના સ્થળની લીધી મુલાકાત*
——
માહિતી બ્યુરો,સુરત:ગુરૂવાર: શિક્ષણમાં કરાયેલું રોકાણ એ સમાજના ઉજ્જવળ ભવિષ્યની સૌથી મોટી મૂડી છે” તેવા સ્પષ્ટ ધ્યેય સાથે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે મક્કમ પગલાં લેવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કામરેજ તાલુકાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં નવી હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળાના નિર્માણ માટે અંદાજે ૪,૦૦૦ ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, તેમજ આધુનિક શાળા ભવનના નિર્માણ અર્થે રૂ.૬ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. અહીં ધો.૧૨ સુધીનું શિક્ષણ નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

આ શૈક્ષણિક પ્રકલ્પને ઝડપથી વેગ આપવા માટે આજ રોજ આરોગ્ય રાજ્ય મંત્રી અને કામરેજ ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, તા. પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ સાથે પ્રસ્તાવિત શાળાના નિર્માણ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આગામી સમયમાં થનારા શિક્ષણ વિકાસના આયોજન અંગે સ્થાનિક પદાધિકારીઓ સાથે વિસ્તૃત અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનો આપ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા નિર્માણ પામનાર આ ભગીરથ શૈક્ષણિક પ્રકલ્પને પગલે કામરેજ તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદની લાગણી વ્યાપી છે.

આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આ વિસ્તારમાં તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ ભવ્ય શાળા આકાર લેશે. જેના પરિણામે સ્થાનિક મધ્યમવર્ગીય અને શ્રમિક પરિવારોના દીકરા-દીકરીઓને ઘરઆંગણે જ ધોરણ-૧૨ સુધીનું નિઃશુલ્ક, શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ બનશે તેમજ વિદ્યાર્થીઓના જીવન ઘડતર અને કારકિર્દી નિર્માણ માટે સીમાચિહ્નરૂપ બનશે એવી આશા વ્યક્ત કરી હતી.

Related Posts