વારસામાં જે મળી છે
એ અમીરાત છો તમે,
ખુદ સમય જેની ગવાહી દે
એ ઇતિહાસ છો તમે.
રાજવી ઠાઠ ને સાહિત્યની
એ આબરૂ બનીને,
આજ સ્મૃતિઓના રસ્તે
વહેતો શ્વાસ છો તમે.
–“પાંધી સર”
ગઈકાલે સાહિત્ય પ્રેમી અને પરંપરાના જતનહાર એવા શ્રી મનુભાઈ બારોટના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે તેમના સંતાનો દ્વારા ભૂતકાળની એક અત્યંત પ્રભાવશાળી અને ઐતિહાસિક તસવીર સોશિયલ મીડિયાના માધ્યમથી સાદર કરવામાં આવી હતી, જેણે જૂના સંસ્મરણોને જીવંત કર્યા છે.
આ અદ્ભુત તસવીરમાં લોકસાહિત્ય જગતના માંધાતા અને પદ્મશ્રી સન્માનિત સ્વ. શ્રી કાનજી ભુટા બારોટ તેમજ ભાવનગર સ્ટેટના તત્કાલીન મહારાજા ડો. વીરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાથે મનુભાઈ બારોટ નજરે પડે છે. આ તસવીર માત્ર એક ફોટો નથી, પરંતુ એ સમયની ગરિમા, સાહિત્ય પ્રત્યેનો રાજવી આદર અને પારિવારિક ગૌરવનું પ્રતીક છે.
પરિવારના સભ્યો અને સ્નેહીજનોએ આ તસવીરને નિહાળીને મનુભાઈને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. પિતાના આ અમૂલ્ય વારસાને સંતાનોએ ‘સ્મૃતિ ભેટ’ તરીકે જાહેર જનતા સમક્ષ મૂકીને નવી પેઢીને પોતાના મૂળિયાં સાથે જોડી રાખવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે.
વિશેષમાં જણાવી દઈએ તો કાઠિયાવાડી સાહિત્ય રત્ન સમાન કાનજી ભુટા બારોટ એ મૂળ ચલાલાના અને રાવળ શેરી ખાતે આવેલ તત્કાલીન કોંગ્રેસ અગ્રણી નંદલાલભાઈ વૈદ્ય (જોષી) ને ત્યાં અવારનવાર સાહિત્ય ગોષ્ઠી માટે આવતાં અને “પત્રકાર બિપીનભાઈ પાંધી તથા મુકેશભાઈ પાંધીના પિતાશ્રી સ્વ. હરગોવિંદભાઈ પાંધીએ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો આ રાવળ શેરી ખાતે વિતાવેલ એટલે કે છેલ્લી ત્રણ પેઢીથી નિવાસ કરતાં અમારા પિતાજીએ છેલ્લે લગભગ ૧૯૭૭માં પટેલ પરા ભાલાળા નિવાસ પાસે આવેલ ગોપાળદાસ નિંબાર્ક પાસેથી એક કાચું પાકું મકાન ખરીદીને રાવળ શેરીમાંથી સ્થળાંતર કરેલ. પરંતુ સંસ્મરણો સદાય લીલાછમ રહે છે. હાલ અમારા પિતાજી સ્વર્ગવાસ થયે ચાર વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો પરંતુ સંસ્મરણો સદાય લીલાછમ રહે છે. સમય એક એવું માધ્યમ છે જે અમુક યાદોની છાપ અમિટ મૂકી જતું હોય છે. ખાસકરીને સ્વ. કાનજી ભુટા બારોટની જીંથરો ભાભો લોકવાર્તા એ એની દેહાતી સ્ટાઈલમાં લોકો સમક્ષ વર્ણવતા ત્યારે લોકોના રૂંવાડા ખડા થઈ જતાં. અરે નાના બાળકોને બાળક તોફાન કરતુ ત્યારે પરિવારના સભ્યો કહેતાં તોફાન કરીશ’ને તો જીંથરો ભાભો આવશે અને બાળકો આ વાત સાંભળીને બિલકુલ ચૂપ થઈ જતાં.. આવો એની વાર્તાનો પ્રભાવ હતો. લોકબોલી અને લોકશૈલીમાં તેની વાર્તા કહેવાની એક અનોખી સ્ટાઈલ અને પક્કડ હતી.. ઝવેરચંદ મેઘાણીની વીરરસની વાતો પોતાના પડછંદ અવાજમાં જ્યારે એ કહેતાં ત્યારે ભલા ભલા ધ્રૂજી જતાં. આમ ગણીએ તો એ એક લોકસાહિત્યના સ્ટોરી ટેલર હતાં એની સાથે એનું વાદ્ય વગાડતાં વગાડતા વાર્તા કહેવાની એક અનોખી પધ્ધતિ હતી. આમ સમયના ઓછાયા હેઠળ જાણે કાલની જ વાત હોય તેમ એ જૂની યાદોં જ અમારા પરિવારને હર્યોભર્યો રાખે છે
આ તકે અમારા પિતાજી સ્વ. હરગોવિંદભાઈ પાંધી સમેત સ્વ. કાનજી ભુટા બારોટને હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરીએ છીએ
મનુભાઈ બારોટને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!


















Recent Comments