ગુજરાત

સેવાનો અવિરત યજ્ઞ: ચૈત્રી અમાસ નિમિત્તે રાજકોટમાં ૬૧૦ જરૂરિયાતમંદોને ભોજન કરાવાયું

ભૂખ્યાના જઠરાગ્નિ ઠાર્યા, 

એ જ સાચી બંદગી છે,

પરસેવે રેબઝેબ થઈને 

પણ, સેવા જિંદગી છે.

​ટાઢક બનીને છાસ વહે, 

ને સ્વાદિષ્ટ આ આહાર છે,

માનવતા મહેકી ઉઠી આજે,                         ‘શિવમ’નો આ ઉપહાર છે.

–“પાંધી સર”

રાજકોટ શહેરના ‘શિવમ સત્સંગ મંડળ ગ્રુપ’ દ્વારા માનવસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા આજે ચૈત્રી અમાસના પવિત્ર અવસરે ભૂખ્યા લોકોને ભોજન કરાવવાનો સેવાકીય પ્રોજેક્ટ સંપન્ન થયો હતો. તારીખ ૧૭/૦૪/૨૦૨૬, શુક્રવારના રોજ વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી કુલ ૬૧૦ જેટલા જરૂરિયાતમંદ લોકોને આહાર પૂરો પાડવામાં આવ્યો હતો.

મંડળ દ્વારા માત્ર માર્ગો પર જ નહીં, પરંતુ કિડની હોસ્પિટલ અને સત્ય સાંઈ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓ તથા બાંધકામ ક્ષેત્રે જોડાયેલા મજૂરોને આદરપૂર્વક નિઃશુલ્ક ભોજન આપવામાં આવ્યું હતું. મેનૂમાં લાડુ, ગાંઠીયા, પુરી-શાક, છાસ અને સંભારા જેવી પૌષ્ટિક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ આયોજનને સફળ બનાવવા માટે શ્રી હિંમતભાઈ મહેતા, રણજીતસિંહ, ધીરૂભાઇ, જીતુભાઈ ખરેડીયા, અતુલભાઈ પરમાર, નાથાભાઈ, મુકેશભાઈ મહેતા, હરિભાઈ મહેતા, જયંતિભાઈ જોષી, વલ્લભભાઈ ગડારા, નટુભાઈ કણસાગરા, છગનભાઇ, ડો. કુકડીયા અને મુકેશભાઈ ગાંધીએ કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર ખંતપૂર્વક સેવા આપી હતી.

આ કાર્યમાં સૌરભ બંગલોઝના સત્સંગી બહેનો, સ્વ. પ્રભુદાસભાઈ સોમૈયાના પુત્ર યોગેશભાઈ સોમૈયા, ભૂપતસિંહ ચાવડા (છાસના દાતા) સહિત અન્ય અનેક સેવાભાવીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. હિંમતભાઈ મહેતાએ મંડળ વતી તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજમાં સકારાત્મક ઉર્જા પૂરી પાડે છે.

Related Posts