વિડિયો ગેલેરી

શાળા છોડી જનારા વિદ્યાર્થીઓને પુનઃ શાળા પ્રવેશ માટેના રાજ્યવ્યાપી મહાઅભિયાન ‘સમરસ વિદ્યાસેતુ’નો અમદાવાદથી શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શાળાએ મોકલવાના રાજ્યવ્યાપી મહાઅભિયાન ‘સમરસ વિદ્યાસેતુ’નો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવતા કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વમાં ડ્રોપઆઉટ રેટ ઘટીને બે ટકા સુધી આવ્યો છે. હવે તેને ‘ઝીરો ડ્રોપઆઉટ’ કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે શાળા છોડી ગયેલાં ૮૦ હજારથી વધુ બાળકોને શોધીને પુનઃ શિક્ષણની મુખ્યધારામાં લાવવાનું આયોજન કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ માટે રાજ્યસ્તરે શાળા છોડી ગયેલા બાળકોની જિલ્લાવાઇઝ યાદી તૈયાર કરવામાં આવી છે. શિક્ષકો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ સાથે મળીને વાલીઓનો સંપર્ક કરવાનો છે. દરેક બાળકને તેની ઉંમર મુજબ યોગ્ય ધોરણ(૧ થી ૧૨)માં પ્રવેશ અપાશે તથા અભ્યાસમાં પાછળ રહી ગયેલાં બાળકો માટે વિશેષ કાળજી અને પૂરક શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

શિક્ષકો અને વાલીઓ વચ્ચેના સઘન સમન્વય પર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે આજે ગુજરાત ધંધા-રોજગાર ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. વૈશ્વિક સ્પર્ધાના આ યુગમાં રાજ્યના યુવાનોને રોજગારીનો મહત્તમ લાભ મળે તે માટે ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય છે. વાલીઓએ પણ જાગૃત બની બાળક નિયમિત શાળાએ જાય તે સુનિશ્ચિત કરવું પડશે. આ સફળતા માત્ર સરકારી પ્રયાસોથી નહીં, પરંતુ ‘સૌના પ્રયાસ’થી જ શક્ય બનશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે શિક્ષણ એ એવું ક્ષેત્ર છે, જેમાં કાર્ય કરવાની તક મળે ત્યારે આત્મસંતોષની અનુભૂતિ થાય છે. તેમણે કહ્યું કે શિક્ષકો આજે વિદ્યાર્થીઓના શિક્ષણ પ્રત્યે અત્યંત સંવેદનશીલ અને પ્રતિબદ્ધ બન્યા છે. આજે બાળક બે દિવસ શાળાએ ન આવે તો શિક્ષક તેના ઘરે પહોંચીને કારણ જાણે છે.

શ્રી પટેલે ગૌરવભેર કહ્યું કે આજે સરકારી અને મહાપાલિકાની શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરતાં અનેક વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગની આ પ્રશંસનીય કામગીરી બદલ તેમણે તમામ સરકારી શિક્ષકો અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી, તેમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ઉમેર્યું કે ધંધા-રોજગારમાં રોકાણ માટે ગુજરાત આજે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. જેનો મહત્તમ લાભ યુવાનોને મળે તે માટે રાજ્યના શિક્ષણને પ્રબળ અને સબળ બનાવવું જરૂરી છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે નવા સીમાચિહ્નો હાંસલ કરીને વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પમાં સૌને સહભાગી થવા આહ્વાન કર્યું હતું.

આ અભિયાનને મહત્ત્વપૂર્ણ ગણાવતાં શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે ‘સમરસ વિદ્યાસેતુ અભિયાન’ માત્ર સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરતું જનઆંદોલન છે.

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના અનેક નિર્ણાયક પગલાં લીધાં છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને વિદ્યાર્થીલક્ષી વિવિધ યોજનાઓના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ સતત મજબૂત બન્યો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના લક્ષ્યાંકોને અનુરૂપ રાજ્ય સરકાર ડ્રોપઆઉટ દરને શૂન્ય સુધી લાવવા માટે કટિબદ્ધ છે. સમરસ વિદ્યાસેતુ અભિયાન અંતર્ગત શાળા છોડી જનારાં બાળકોને શોધીને તેમને પુનઃ શાળામાં દાખલ કરવા, વાલીઓ સાથે સતત સંપર્ક જાળવવા, ઘર મુલાકાતો, મેન્ટરશિપ તેમજ બ્રિજ કોર્સ દ્વારા બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવાની સુવ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે આ અભિયાનની સફળતા માટે શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિઓ, જિલ્લા અને તાલુકા તંત્ર, CRC-BRC સંકલનકારો, સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક અગ્રણીઓ અને જનપ્રતિનિધિઓ સહિત સમાજના દરેક વર્ગની સક્રીય ભાગીદારી જરૂરી છે. શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાઓ, શિક્ષકો અને શાળા વ્યવસ્થાપન સમિતિઓને શિક્ષક દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવશે.

સમગ્ર સમાજના સહયોગથી રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે અને સમરસ વિદ્યાસેતુ અભિયાન શિક્ષણ ક્ષેત્રે નવી સિદ્ધિઓનું સશક્ત માધ્યમ બનશે તેવો વિશ્વાસ શિક્ષણમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું કે રાજ્યના એક પણ બાળકને શિક્ષણથી વંચિત ન રહેવા દેવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘સમરસ વિદ્યા સેતુ’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજના દરેક વર્ગ, જનપ્રતિનિધિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોના સક્રિય સહયોગની આવશ્યકતા તેમણે દર્શાવી હતી.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના મુખ્યમંત્રીકાળમાં શરૂ કરેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાનથી ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર હવે વર્ષ ૨૦૩૦ સુધી ડ્રોપઆઉટ રેશિયોને શૂન્ય સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ યોજનાઓ અને ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વ્યવસ્થા દ્વારા કાર્યરત છે.

શ્રીમતી જાડેજાએ જણાવ્યું કે અર્લી ટ્રેકિંગ સિસ્ટમ, ચાઇલ્ડ મોનિટરિંગ સિસ્ટમ, બ્રિજ કોર્સ, રેમેડિયલ કોર્સ, રેસિડેન્શિયલ સ્કૂલ સહિતની વ્યવસ્થાઓ દ્વારા શિક્ષણથી વંચિત બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા તેમજ ગુણવત્તાસભર, મૂલ્યલક્ષી અને કૌશલ્ય આધારિત શિક્ષણ દ્વારા વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી મિલિંદ તોરવણેએ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પ્રસંગે શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શાળાના મુખ્ય પ્રવાહમાં જોડવામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન-સામગ્રી અને અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડી નોંધપાત્ર યોગદાન આપનારી વિવિધ સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ધારાસભ્ય અમિતભાઇ શાહ તેમજ અમિતભાઈ ઠાકર, મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, કમિશનર ઑફ સ્કૂલ્સ આનંદ પટેલ સહિત સ્કુલબોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
**

Related Posts