અમરેલી

અમરેલી ખાતે જિલ્લાની તમામ નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક યોજાઈ

પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ, ભાવનગરના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક તા. ૧૦-૦૭-૨૦૨૬ના રોજ કલેક્ટર કચેરી, અમરેલી ખાતે યોજાઈ હતી.

બેઠકમાં રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, ધારાસભ્યશ્રી જે.વી કાકડિયા, ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકી, પ્રાદેશિક કમિશનરશ્રી પણ જોડાયા હતા.

બેઠક દરમિયાન તાજેતરના ભારે વરસાદના કારણે શહેરોમાં રસ્તાઓને થયેલા નુકસાનનું તાત્કાલિક સમારકામ હાથ ધરી જનતાને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી કાર્યવાહી કરવા તમામ નગરપાલિકાઓને સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવાની વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ની માર્ગદર્શિકા મુજબ ઘન કચરાના વૈજ્ઞાનિક નિકાલ, પ્રક્રિયા અને વ્યવસ્થાપનની કામગીરી અસરકારક રીતે સુનિશ્ચિત થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા ૧૫મા નાણાપંચ, શહેરી સડક યોજના તથા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટના વિકાસકાર્યો સમયમર્યાદામાં તથા ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા માટે તમામ નગરપાલિકાઓને સૂચના આપવામાં આવી હતી.

માનનીય મંત્રીશ્રી તથા ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓએ વિવિધ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવતા વિકાસકાર્યો ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તેમજ જાહેર નાણાંનો અસરકારક ઉપયોગ થાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ શહેરીજનોના આરોગ્ય, સ્વચ્છતા અને સુખાકારીને પ્રાથમિકતા આપી વરસાદી ઋતુ દરમિયાન જરૂરી તમામ તકેદારી અને ત્વરિત પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી તેમજ અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts