ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, અમરેલીના સંકલન હેઠળ “જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી” દ્વારા ચાલુ વર્ષે કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ કલાકારો માટે રજીસ્ટ્રેશન (ઓફલાઇન) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૫/૦૮/૨૦૨૫ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના એમ ચાર વયજૂથમાં કલાકારો પોતાની પ્રતિભા દર્શાવી શકશે. સ્પર્ધાના માળખા મુજબ તાલુકા કક્ષાએથી સુગમ સંગીત, ગરબા, રાસ, ચિત્રકલા અને નિબંધ સહિત કુલ ૧૪ કૃતિઓ, જિલ્લા કક્ષાએથી સ્કૂલબેન્ડ, કાવ્યલેખન, લોકવાર્તા સહિત કુલ ૦૯ કૃતિઓ, પ્રદેશ કક્ષાએથી ઓડિસી, સિતાર, વાંસળી સહિત કુલ ૦૭ કૃતિઓ તેમજ સીધી રાજ્ય કક્ષાએથી પખવાજ, ભવાઈ અને રાવણહત્થો સહિત કુલ ૦૭ લોકકૃતિઓની સ્પર્ધાઓ યોજાશે. અમરેલી જિલ્લાના તમામ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બિન-સંસ્થાકીય સ્થાનિક કલાકારો વધુમાં વધુ સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં કન્વીનરશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.
કલાકારોએ પોતાના ફોર્મ તાલુકા વાઈઝ નિયુક્ત કરાયેલા કેન્દ્રો પર જમા કરાવવાના રહેશે, જેમાં અમરેલી, બાબરા અને કુંકાવાવ તાલુકાના સ્પર્ધકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી (બહુમાળી ભવન, અમરેલી), બહુમાળી ભવન, બ્લોક-સી,પ્રથમ માળ,રૂમ નંબર ૧૧૦,૧૧૧ ખાતે ફોર્મ આપવાનું રહેશે.
આ ઉપરાંત બગસરા તાલુકા માટે મેઘાણી હાઈસ્કૂલ ખાતે શ્રી વિનોદભાઈ જેઠવા, રાજુલા માટે ટી.જે.બી.એસ. ગર્લ્સ સ્કૂલ ખાતે શ્રીમતી સીમાબેન પંડ્યા, જાફરાબાદ માટે પારેખ અને મહેતા હાઈસ્કૂલ ખાતે શ્રી વિમલભાઈ અગ્રાવત, અને ખાંભા માટે શ્રી જે.એન.મહેતા હાઈસ્કૂલ ખાતે શ્રી અજીતસિંહ ગોહિલનો સંપર્ક કરવાનો રહેશે. ધારી તાલુકાના કલાકારોએ ગીર એશિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શ્રી જયેશભાઈ, સાવરકુંડલા માટે સાવરકુંડલા તાલુકા યુવક મંડળ (સાઈદર્શન કોમ્પ્લેક્સ) ખાતે શ્રી ધર્મશંકરભાઈ ભટ્ટ, લીલીયા માટે શ્રી માધ્યમિક શાળા (ક્રાંકચ) ખાતે શ્રી ઉમાબેન સાંડસુર/શ્રી કે.ડી.ડાવેરા તેમજ લાઠી તાલુકાના સ્પર્ધકોએ શ્રીમતી એન.એચ.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે શ્રી અંજુબેન દુદાવાળા પાસે ફોર્મ જમા કરાવવાના રહેશે. કલા મહાકુંભના વિગતવાર ફોર્મ અને નિયમો કચેરીના સત્તાવાર બ્લોગ એડ્રેસ dydoamreli.blogspot.com પરથી ડાઉનલોડ કરી શકાશે અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, રૂમ નં. ૧૧૦-૧૧૧, અમરેલી ખાતેથી રૂબરૂ મેળવી શકાશે, વધુ માહિતી માટે ફોન નં. ૦૨૭૯૨-૨૨૩૬૩૦ ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.












Recent Comments