અમરેલી

વિજ્ઞાન અને આસ્થાનો અદ્ભુત સમન્વય: ગણેશ ઉત્સવ પાછળનું ખગોળીય સત્ય

​ચંદ્રની કળાઓ ને ગ્રહોની 

ગતિ ગોઠવી આપી,

વિજ્ઞાનની લીલા તમે 

અદ્ભુત રચી આપી.

​જે પ્રથમ પૂજાય છે ને 

સૌની આગળ ચાલે છે,

વિસર્જનમાં પણ એણે 

જિંદગીની ખુશી આપી.

–“પાંધી સર” 

પૌરાણિક કથા-વાર્તાઓ માત્ર ધાર્મિક કલ્પનાઓ નથી, પરંતુ વિજ્ઞાન ન જાણતા જનસમુદાય સુધી જટિલ ભૌતિકશાસ્ત્ર પહોંચાડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હતું. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો મહાદેવ આ પૃથ્વી પર જીવનની સૃષ્ટિ રચનારા મુખ્ય ‘ડેવલપર’ છે. પૃથ્વીના પ્રારંભિક કાળમાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાથી સજીવ માત્ર પેટે ઘસડાઈને ચાલતા ‘સરિસૃપ’ જીવો સુધી જ સીમિત રહ્યો. આ સમસ્યાના ઉકેલ માટે પૃથ્વીના ઉપગ્રહ તરીકે ચંદ્રનું નિર્માણ થયું, જેનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના છઠ્ઠા ભાગનું છે. આ સંતુલનને કારણે જીવ પૃથ્વીની સપાટી પર સંપૂર્ણ મુક્ત થયા વગર, પેટે ચાલીને ઊભા થવા અને ચાલવા યોગ્ય બન્યો.

​ગણેશજીનું ઓર્બિટલ સેટિંગ અને ગ્રહણની પાછળનો હેતુ

ચંદ્ર દ્વારા સૂર્યના પ્રકાશ અને ગતિના નિયમન બાદ, વિઘ્નહર્તા ગણેશજીએ મેદાને આવી ચંદ્રની ‘કલા’ વ્યવસ્થાપન (Orbital Setting) કરી દિવસ-રાત અને ‘તિથિઓ’નું ચક્ર સર્જ્યું. આજે પણ થતા સૂર્ય અને ચંદ્ર ગ્રહણો એ કોઈ ગણતરીની ક્ષતિ કે ઉણપ નથી, પરંતુ મહાદેવ અને ગણેશજીનો એક હેતુપૂર્વકનો ‘વ્યૂહ’ છે. *ગ્રહણ જ સામાન્ય માનવીને ગ્રહોની પોતાની ગતિ અને પરસ્પરના ભ્રમણ વિશે જાગૃત કરે છે.* આ દ્રષ્ટિએ ગણેશ ઉત્સવ એ બ્રહ્માંડના આ મહાન વૈજ્ઞાનિક કાર્યોને યાદ કરી ઉજવવાનો પર્વ છે.

​’મોર્યા’નો સાચો અર્થ અને વિસર્જનનો અનન્ય આનંદ

ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ ગણેશજીનું પુનરાવર્તિત અવતરણ નિશ્ચિત છે; એક તરફ ‘સંભવામિ યુગે યુગે’ છે તો બીજી તરફ લોકમુખે વસેલું ‘અગલે બરસ તૂ જલ્દી આ’ છે. *સામાન્ય રીતે કોઈપણ વસ્તુનું વિસર્જન અનિચ્છનીય હોય છે, પરંતુ ગણેશ ઉત્સવમાં વિસર્જન એ પુનઃ આગમનની આશા સાથે ઉજવાતો ઇચ્છિત ઉત્સવ છે.* દેશી ભાષામાં ‘મોર’ એટલે ‘આગળ’ (જેમ કે ‘મોર હાલ’). આમ, જે હંમેશાં પ્રથમ પૂજનીય અને સૌથી આગળ છે તે ‘ગણપતિ બાપા મોર્યા’ છે. નારાયણ સ્વામીના ભજનની પંક્તિ *”કલા તે અજબ રચી કિરતાર, કોઈ પાવે ન એનો પાર”* આ બ્રહ્માંડિય રચના પર અક્ષરશઃ ખરી ઉતરે છે

*​ગણપતિ બાપા… મોર્યા!*

Related Posts