જિલ્લામાં ગણેશ મહોત્સવ શાંતિપૂર્ણ અને પર્યાવરણ અનુકૂળ માહોલમાં ઉજવાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા -૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ સમગ્ર જિલ્લામાં નિયંત્રક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત વધુમાં વધુ ૯ ફૂટ અને પી.ઓ.પી.ની મૂર્તિ વધુમાં વધુ ૫ ફૂટ સુધીની જ બનાવીને વેચાણ કે સ્થાપિત કરી શકાશે.
મૂર્તિઓમાં ઝેરી કેમિકલયુક્ત રંગોના ઉપયોગ પર, મંજૂરી વગરના સ્થળોએ વિસર્જન કરવા પર તેમજ કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવા ચિહ્નો રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ગણેશ પંડાલના આયોજકો માટે સી.સી.ટી.વી. કેમેરા અને અગ્નિશામક સાધનો ફરજિયાત લગાવવાના રહેશે. મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે, તે જગ્યા તથા વેચાણ માટે રાખે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવા કે મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ખુલ્લી રાખવા ઉપર તથા મૂર્તિઓના સ્થાપન દિવસ બાદ વધેલી કે ખંડિત થયેલ મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર પણ પ્રતિબંધ રહેશે.
આ હુકમ તા.૨૫/૦૮/૨૦૨૬ થી તા.૨૬/૦૯/૨૦૨૬ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.










Recent Comments