અમરેલી

‘પી.એમ. કિસાન યોજના”ના તમામ લાભાર્થીઓએ ૩૦ જૂન સુધીમાં બાયોમેટ્રિક ઓથેન્ટિકેશ દ્વારા ઈ-કે.વાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી

પી.એમ. કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ તા. ૩૦ જૂન પહેલા “બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન” દ્વારા વાર્ષિક ઈ-કે.વાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ સહાય મેળવવા માટે તમામ નોંધાયેલ લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક/ફેસ ઓથેન્ટિકેશન આધારિત e-KYC ફરજિયાત કરવામાં આવેલ છે.  દરેક લાભાર્થીએ દર નાણાકીય વર્ષના પ્રથમ હપ્તા (એપ્રિલ-જુલાઈ)ના વિતરણ પહેલાં વાર્ષિક e-KYC પૂર્ણ કરાવવું આવશ્યક છે. જે લાભાર્થીઓ દ્વારા બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન આધારિત e-KYC પૂર્ણ કરવામાં આવશે, તેઓને જ પી.એમ. કિસાન યોજનાનો આગામી હપ્તો મળવાપાત્ર રહેશે.

વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું વાર્ષિક “e-KYC” તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધીમાં ફરજિયાત પૂર્ણ કરાવવાનું રહેશે. 

“e-KYC” પૂર્ણ કરવા માટે  (૧) ગ્રામ્ય કક્ષાએ ફેસ ઓથેન્ટિકેશન દ્વારા : વિલેજ નોડલ ઓફિસરશ્રી દ્વારા PM-KISAN મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન મારફતે e-KYC પૂર્ણ કરી શકાય છે. (૨) CSC અને ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે : નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા e-KYC કરાવી શકાય છે. (૩) લાભાર્થી દ્વારા સ્વયં મોબાઇલ એપ્લિકેશનથી : PM-KISAN મોબાઇલ એપમાં Login → Login Type → Beneficiary વિકલ્પ પસંદ કરી આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશનથી પોતાનું તેમજ અન્ય ૧૦૦ લાભાર્થીઓનું e-KYC પૂર્ણ કરી શકાય છે.

જિલ્લામાં તમામ લાભાર્થીઓનું e-KYC સમયમર્યાદામાં પૂર્ણ થાય તથા કોઈપણ ખેડૂત આગામી હપ્તાના લાભથી વંચિત ન રહે તે માટે ગામડાઓમાં વ્યાપક જનજાગૃતિ, પ્રચાર-પ્રસાર, કેમ્પોનું આયોજન તેમજ ગામદીઠ ઓછામાં ઓછા ૦૫ યુવાનોને PM-KISAN મોબાઇલ એપ્લિકેશન દ્વારા e-KYC કરવાની તાલીમ આપી કેમ્પેઈન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવશે.

આથી, તમામ ખેડૂત લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ સમયમર્યાદામાં પોતાનું વાર્ષિક e-KYC પૂર્ણ કરાવી યોજનાના લાભથી વંચિત ન રહે. વધુ માહિતી માટે લાભાર્થીઓ પોતાના ગામના તલાટી કમ મંત્રીશ્રી/સિટી તલાટી(કસ્બા તલાટી)નો અથવા તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી અને મામલતદારશ્રીઓનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts