અમરેલી

અમરેલી વિધાનસભા વિસ્તારના શિક્ષણ વિકાસને ઐતિહાસિક વેગ : 2 નવી સરકારી માધ્યમિક શાળાઓની ભેટ

આમ તો જે શિક્ષણ માનવને અજ્ઞાનની ઝંઝીરો માંથી મુક્ત કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય, તે જ સાચું શિક્ષણ છે. અમરેલી વિધાનસભાના વિધાર્થિઓ માટે ઉપનિષદનું આ વાક્ય આજે ખરા અર્થમાં સાર્થક થયું છે.

ગુજરાત સરકાર દ્વારા અમરેલી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને સરકારમાં રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયાસોથી ચાલુ વર્ષમાં જ અમરેલી વિધાનસભાને 2 નવી સરકારી માધ્યમિક શાળાઓની મહત્વપૂર્ણ ફાળવણી થઇ છે. જેમાં અમરેલી (શહેર) અને વડીયા ખાતે નવી શાળાઓ શરૂ થવાના નિર્ણયથી જિલ્લાના હજારો વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારની નજીક ગુણવત્તાસભર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરવાનો માર્ગ વધુ સુગમ બનશે.

અત્યાર સુધી અનેક વિદ્યાર્થીઓને ધોરણ-૮ પછી અભ્યાસ ચાલુ રાખવા માટે પોતાના ગામથી દૂર જવું પડતું હતું, જેના કારણે સમય, પરિવહન અને અન્ય વ્યવહારુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નવી શાળાઓ કાર્યરત થતાં વિદ્યાર્થીઓને પોતાના વિસ્તારની નજીક જ શિક્ષણની વધુ સારી તક ઉપલબ્ધ બનશે અને વાલીઓમાં પણ વિશ્વાસનો માહોલ વધુ મજબૂત બનશે.

આ નવી શાળાઓની મંજૂરી સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી લાંબા સમયથી ઉઠતી લોકલાગણીને પણ યોગ્ય પ્રતિસાદ મળ્યો છે. શિક્ષણપ્રેમીઓ, વાલીગણ, સ્થાનિક આગેવાનો તથા જનપ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને નજીકના વિસ્તારમાં માધ્યમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સતત રજૂઆતો કરવામાં આવતી હતી. જે અન્વયે રાજ્ય સરકારમાં મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ વિસ્તારની જરૂરીયાતને ધ્યાને લઇ સરકારને બજેટમાં નવી સરકારી માધ્યમિક શાળાઓ મંજૂર કરવા બાબતે પ્રયાસો તેજ કર્યા હતા. આ માંગણીઓને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લઈ લેવાયેલા આ નિર્ણયને કારણે શિક્ષણ ક્ષેત્રે વધુ સર્વસમાવેશક અને સુલભ વ્યવસ્થા ઊભી થવાનો માર્ગ મોકળો બન્યો છે.

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ ગામમાં શાળા ઉભી થાય છે ત્યારે માત્ર એક ઇમારતનું નિર્માણ થતું નથી, પરંતુ આવનારી પેઢીના સપનાઓને નવી દિશા મળે છે. કોઈપણ વિદ્યાર્થી માત્ર અંતર કે સંજોગોના કારણે શિક્ષણથી વંચિત ન રહે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે. અમરેલી વિધાનસભામાં મંજૂર થયેલી આ 2 નવી શાળાઓ હજારો વિદ્યાર્થીઓના જીવનમાં નવી આશા, નવા અવસર અને નવા આત્મવિશ્વાસનો સંચાર કરશે. અમરેલી વિધાનસભામાં શિક્ષણના વિસ્તરણ માટે લેવાયેલો આ નિર્ણય આગામી વર્ષોમાં વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે. જ્ઞાનથી વિકાસ, વિકાસથી સમૃદ્ધિ અને સમૃદ્ધિથી સશક્ત સમાજ! આ જ અમરેલીના ઉજ્જવળ આવતીકાલનો માર્ગ છે.

આ પ્રસંગે શ્રી વેકરીયાએ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી અને શિક્ષણ મંત્રીશ્રી પ્રધ્યુમનભાઇ વાજાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને આ સરકારી માધ્યમિક શાળાઓની મંજૂરીને એક દૂરંદેશી પગલું જણાવ્યું હતું.

Related Posts