રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્તરે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને અમરેલી જિલ્લા પ્રભારી અને રાજ્યના કૃષિ, સહકાર અને પશુપાલન મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ચલાળા ખાતે પ્રગતિ પથ યાત્રા અંતર્ગત ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાના ખેતરે આયોજિત રાત્રિ બેઠકમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે અર્થપૂર્ણ સંવાદ કરી ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું હતું.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માનવ જીવનને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે ખોરાકની ગુણવત્તા અત્યંત મહત્વની છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીન, પાણી અને માનવ આરોગ્ય પર વિપરીત અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નહીં પરંતુ સ્વસ્થ સમાજ અને સુરક્ષિત ભાવિ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.
તેમણે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત પાક આરોગ્યપ્રદ હોવા ઉપરાંત બજારમાં તેની માંગ પણ સતત વધી રહી છે. યોગ્ય આયોજન અને વૈજ્ઞાનિક અભિગમ સાથે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઉત્પાદન સારું મળે છે અને ખેડૂતોને તેમના ઉત્પાદનોના ઊંચા ભાવ પણ પ્રાપ્ત થાય છે. તેથી ખેડૂતો વધુમાં વધુ સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે તે સમયની માંગ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છે. ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમો અને અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે, ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પર્યાવરણનું સંરક્ષણ પણ શક્ય બને છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાના ધર્મપત્ની અને આશરે ૬૦ વીઘાથી વધુ જમીનમાં પ્રાકૃતિક કૃષિ કરતા શ્રી કોકિલાબહેન કાકડિયાએ પ્રાકૃતિક કૃષિના પોતાના અનુભવો ખેડૂતો સાથે વહેંચ્યા હતા અને પ્રાકૃતિક ખેતીથી મળતા લાભોની માહિતી આપી હતી. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા પૂછવામાં આવેલા વિવિધ પ્રશ્નોના જવાબો આપી પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડિયા, સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, પદાધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




















Recent Comments