પાલિકા કચેરીથી માત્ર ૧૦-૨૦ મીટરના અંતરે દૂષિત પાણી અને પ્લાસ્ટિકના ખડકાયેલા ઢગલા; વિપક્ષી નેતા કમલ દવેએ તંત્રની ઘોર બેદરકારી સામે ઉઠાવ્યા આકરા સવાલો
———————————————————
’દીવા તળે જ અંધારું’ કહેવતને સાર્થક કરતો કિસ્સો સાવરકુંડલામાં સામે આવ્યો છે. શહેરની સ્વચ્છતાની જવાબદારી જેમના શિરે છે, તે સાવરકુંડલા નગરપાલિકા કચેરીના પટાંગણમાં જ માત્ર ૧૦ થી ૨૦ મીટરના અંતરે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય અને પ્લાસ્ટિક કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક વેપારીઓ, રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
નગરપાલિકા નજીક આવેલા પૌરાણિક ગણપતિ દાદાના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, તેમજ પાછળ આવેલ ‘જનતાબાગ’માં લોકો વહેલી સવારે કસરત અને શુદ્ધ હવા મેળવવા માટે આવે છે. પરંતુ પાલિકાના પટાંગણમાં જ વહી રહેલા ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધના કારણે લોકોએ મોઢે રૂમાલ બાંધીને પસાર થવાની નોબત આવી છે. સ્વચ્છ હવા મેળવવા આવતા લોકોએ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમગ્ર મુદ્દે નગરપાલિકા વોર્ડ નંબર ૯ ના સભ્ય અને વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા સવાલો ઉઠાવ્યા હતા કે:
”જો ધારાસભ્યશ્રી કેવડાપરાનો પ્રશ્ન માત્ર એક જ દિવસમાં ઉકેલી શકતા હોય, તો છેલ્લા ૮ થી ૧૦ મહિનાથી નગરપાલિકા કચેરીની સામે જ વણઉકેલાયેલી આ ગંભીર સમસ્યા તંત્રને કેમ દેખાતી નથી?”
આ ઉપરાંત, મહુવા-અમરેલી રોડ પર આવેલી નગરપાલિકાની તૂટેલી દીવાલ પણ સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઉભા કરી રહી છે.
સ્થાનિક વેપારીઓ અને વિપક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નગરપાલિકા તંત્ર પોતાની કચેરી પાસેની જ આ ગટર, કચરા અને તૂટેલી દીવાલની ગંભીર સમસ્યાનો વિલંબ કર્યા વિના ત્વરિત ઉકેલ લાવે.

















Recent Comments