સાવરકુંડલા શહેરમાં મચ્છર અને માખીઓના વધતા ઉપદ્રવ વચ્ચે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તંત્ર સામે ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સત્તાધીશો દ્વારા માંખી-મચ્છર નિયંત્રણના નામે તારીખ વીતી ગયેલી (એક્સપાયરી ડેટ) DDT અને વધારે માત્રામાં ચૂનો મિશ્ર કરી માત્ર દેખાડા ખાતર છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વોર્ડ નં. ૬ સહિત સમગ્ર શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાનો ભય તોળાઈ રહ્યો છે. તા. ૨૧/૦૭/૨૦૨૬ના રોજ ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર “શેરીઓમાં સફેદ રંગોળી” જેવી દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે, જેનાથી મચ્છરો મરવાને બદલે દવાની ગુણવત્તા વિહીનતાને કારણે તેના પર બેસી રહ્યા છે.
ધર્મેન્દ્ર મહેતાએ પાલિકાના સ્ટોક રજિસ્ટર અને બિલોની તપાસ કરવાની માંગ કરી છે. પ્રજાના કરવેરાના નાણાંનો વ્યય અટકાવી, તાત્કાલિક તાજી દવાઓ મંગાવી ફોગિંગ અને યોગ્ય છંટકાવની ઝુંબેશ શરૂ કરવા તેમણે ભારપૂર્વક અપીલ કરી છે.

















Recent Comments