*પોરબંદર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા રહ્યા ઉપસ્થિત*
૦૦૦૦
*૨૦૪૭ના વિકસિત ભારતના સંકલ્પ માટે યુવાનો નશામુક્ત રહે તે સમયની જરૂરિયાત : મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા*
૦૦૦૦
*નશો નવા યુગનો છૂપો દુશ્મન, યુવાનો જ દેશના વિકાસની સૌથી મોટી તાકાત : મંત્રીશ્રી*
૦૦૦૦
*’માય ભારત’ અભિયાન હેઠળ પોરબંદરમાં યુવાનોએ લીધો નશામુક્ત ભારતનો સંકલ્પ*
૦૦૦૦
*AI અને ટેક્નોલોજીના યુગમાં જ્ઞાનનો સદુપયોગ કરી વિકસિત ભારતના નિર્માણમાં જોડાવા વનમંત્રીનું યુવાનોને આહ્વાન*
૦૦૦૦
પોરબંદર, તા.૨: માય ભારત દ્વારા દેશવ્યાપી **’નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન’**નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કાર્યક્રમ અનુસંધાને પોરબંદરના સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ યુવાનોને સંબોધતાં જણાવ્યું હતું કે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં યુવાશક્તિ સૌથી મોટી તાકાત છે. તેમણે કહ્યું કે અગાઉની પેઢીએ વીજળી વગરનો સમય, રેડિયો અને લેન્ડલાઈન ફોન જેવી મર્યાદિત સુવિધાઓનો યુગ જોયો હતો, જ્યારે આજે મોબાઇલ, કમ્પ્યુટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ChatGPT જેવા આધુનિક સાધનોને કારણે વિશ્વનું જ્ઞાન દરેક યુવાનની આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે. આ તકનો ઉપયોગ પોતાના વ્યક્તિત્વ અને દેશના વિકાસ માટે કરવો જોઈએ.
તેમણે નશાના વધતા દૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં તેને નશાને”નવા યુગનો છૂપો દુશ્મન” ગણાવ્યો હતો. પંજાબનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે નશો વ્યક્તિના જીવન ઉપરાંત પરિવાર અને સમગ્ર સમાજને પણ વિનાશ તરફ ધકેલી દે છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું કે જો ભારતને ૨૦૪૭ સુધીમાં વિશ્વના અગ્રણી વિકસિત દેશોની હરોળમાં સ્થાન અપાવવું હોય તો દરેક યુવાને નશાથી સંપૂર્ણ દૂર રહેવાનો દૃઢ સંકલ્પ કરવો જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનના શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં જ્ઞાન આધારિત ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. સાણંદ ખાતે ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવાથી ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે.સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિદેશમાં કાર્યરત ભારતીય યુવાનો પણ હવે દેશમાં પરત ફરી નવી પેઢીને માર્ગદર્શન આપી રહ્યા છે, જે ભારત માટે ગૌરવની બાબત છે.
વધુમાં તેમણે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ હેઠળ ચાલતી ‘માય ભારત’ પહેલ યુવાનોને વિકાસની મુખ્ય ધારામાં જોડવા માટે મહત્વપૂર્ણ બની રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે યુવાનોને મહેનત, શિસ્ત અને સંકલ્પના બળથી પોતાના સપનાઓ સાકાર કરવા તથા દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત યુવાનો દ્વારા નશામુક્ત રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો તેમજ યુવાઓએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પ્રસંગે મેયર શ્રી સાગર મોદી, શ્રી ભાનુપ્રકાશ સ્વામી
,જિલ્લા કલેક્ટર શ્રી એસ. ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી ટી. સી. તીરથાણી, માય ભારતના ઉપનિર્દેશક શ્રી નવીન ગુલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિક્રમ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી હર્ષભાઈ ગોહિલ જિલ્લા યુવા મોરચા મહામંત્રી સર્વે શ્રી હર્ષભાઈ રૂઘાણી શ્રી ધવલભાઈ ઓડેદરા તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને માય ભારતના વોલન્ટિયરો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments