સાવરકુંડલાના જેસર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કન્ઝ્યુમર ક્લબ દ્વારા એક અનોખા અને સુંદર ગ્રાહક જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય “ગ્રાહક જાગે, બિલ માંગે” ના સૂત્રને ચરિતાર્થ કરી વિદ્યાર્થીઓમાં ગ્રાહક તરીકેના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ, સાવરકુંડલાના પ્રમુખશ્રી હિરાણી સાહેબ તેમજ સક્રિય કાર્યકર અને જાગૃત પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પોતાના પ્રેરણાદાયી અને અસરકારક ઉદ્બોધન દ્વારા દૈનિક જીવનમાં ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, બિલ લેવાનું મહત્વ અને ગ્રાહક સુરક્ષા કાયદા અંગે અત્યંત સરળ શૈલીમાં સમજણ આપી હતી. તેમના વક્તવ્યથી ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ગ્રાહક જાગૃતિની એક અનેરી ભાવના અને ઉત્સાહ ઉત્પન્ન થયા હતા.
કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યશ્રીએ પધારેલા બંને વિશિષ્ટ મહાનુભાવોનું ઉમળકાભેર શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા ઉપયોગી અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાવતી મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે સંસ્થાના પૂજનીય સંતોએ પણ કાર્યક્રમ પ્રત્યે પોતાનો વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો અને પધારેલા અતિથિઓ તથા વિદ્યાર્થીઓને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. કન્ઝ્યુમર ક્લબના આ સફળ આયોજનને શાળા પરિવાર તેમજ સંતો-મહંતો તરફથી બિરદાવવામાં આવ્યું હતું.